ભરૂચ સહિત રાજયભરમાં ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જો કે કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી જાહેર સ્થળોએ ઉજવણીના કાર્યક્રમો રદ કરી દેવામાં આવતાં ડીજે તથા રેઇનડાન્સની લોકોને ખોટ પડી હતી.
રાજયમાં જેટગતિથી વધી રહેલાં કોરોના વાયરસના સંક્રમણે ધુળેટી પર્વને બેરંગ બનાવી દીધું હતું. લોકોમાં એક તરફ ધુળેટી પર્વની ઉજવણીનો ઉત્સાહ હતો તો બીજી તરફ કોરોનાથી સંક્રમિત ન થઇ જવાય તેનો ભય હતો. અબાલવૃધ્ધ સૌ કોઇ ધુળેટીની ઉજવણીમાં સામેલ થયાં હતાં. મોટેરાઓએ એકમેકના ગાલે ગુલાલ લગાડી ધુળેટીની શુભેચ્છા પાઠવી હતી. જયારે નાના બાળકોની ટોળકીઓ ફળિયાઓ તથા શેરીઓમાં પિચકારી અને ફુગ્ગા લઇને નીકળી પડી હતી. લોકો ગુલાલ લઇને મિત્રો અને સ્વજનોના ઘરે પણ પહોંચ્યાં હતાં. આ વખતે સરકારે જાહેર ઉજવણી પણ પ્રતિબંધ ફરમાવી દીધો હોવાથી પાર્ટી પ્લોટ સહિતના સ્થળોએ કરાયેલા આયોજનો રદ કરી દેવાયાં હતાં. ખાસ કરીને યુવાવર્ગે ડીજેના તાલે ઝુમવાની તથા રેઇન ડાન્સનો આનંદ માણવાથી વંચિત રહી ગયાં હતાં.