વર્તમાન જીવનશૈલીમાં શરીરના દરેક ભાગની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને કમરની આસપાસનો વિસ્તાર અનેક બીમારીઓ સાથે સંકળાયેલો હોય છે. આ ભાગમાં ચરબી એકઠી થાય તો હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર સહિતની બીમારીઓનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં પેટની ચરબી ઉતારવી ખૂબ જરૂરી બની જાય છે.
અમુક ચરબી તમારી ત્વચાની નીચે હોય છે. પરંતુ તમારા હૃદય, ફેફસાં, લીવર અને અન્ય અંગોની આસપાસ પણ ચરબી રહે છે. જે શરીરની અંદર ઊંડી જોવા મળે છે. પાતળી વ્યક્તિઓમાં પણ આવી ચરબી હોય શકે છે. જેને વિસેરલ ચરબી તરીકે ઓળખવામાં આવે છે. શરીરને વિસેરલ ચરબીની જરૂર હોય છે. તે અંગોની આસપાસ ગાદી તરીકે કામ કરે છે. જોકે, આવી ચરબી વધુ જોખમી હોય શકે છે. વધુ પડતી ચરબી હોય તો હાઈ બ્લડ પ્રેશર, ટાઇપ 2 ડાયાબિટીસ, કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, ડિમેન્શિયા અને સ્તન અને આંતરડાના કેન્સર જેવી કેટલીક બિમારઓ પણ થઈ શકે છે.
પેટની ચરબી ઘટાડવામાં કસરત, પોષણ, ઊંઘ અને તણાવનું મેનેજમેન્ટ મહત્વની ભૂમિકા ભજવે છે.
કસરત: કસરત કરવાથી શરીરની ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. ખાસ કરીને ચરબી ઘટાડવા માટે કસરત કરવી ખૂબ જરૂરી છે. અઠવાડિયામાં પાંચ દિવસ, ઓછામાં ઓછી 30 મિનિટ સુધી હળવીથી ભારે કસરત કરી શકાય છે. રેગ્યુલર ચાલીને પરસેવો પાડવો પણ જરૂરી છે.
ખોરાક: પેટની ચરબી ઘટાડવા માટે કોઈ ખાસ પ્રકારના ડાયટની જરૂર હોતી નથી. અલબત્ત, જ્યારે તમે વજન ઘટાડવા ડાયટ લો છો ત્યારે પેટની ચરબી પણ આપોઆપ ઓગળી જાય છે. તમે ફાઇબરનું પ્રમાણ વધુ હોય તેવી વસ્તુઓ ખાઈ શકો છો. બે નાના સફરજન, એક કપ લીલા વટાણા અથવા 1/2 કપ બીન્સના સેવનથી પણ પૂરતા પ્રમાણમાં ફાયબર મળે છે. ખોરાકમાં રેસાવાળી વસ્તુઓ જાળવી રાખવાથી વજન અને ચરબી સંતુલિત રહે છે.
પૂરતી ઊંઘ: પૂરતી ઊંઘ લેવી આખા શરીર માટે લાભદાયક છે. ખાસ કરીને શરીરની અંદરની ચરબી ઘટાડવા માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ. આંકડા મુજબ છથી સાત કલાક ઉંઘ લેનાર લોકોમાં પાંચ વર્ષના સમયગાળા દરમિયાન visceral ફેટ ઓછું ડેવલપ થાય છે. જ્યારે પાંચ કલાકથી ઓછી અથવા આઠ કલાકથી વધુ ઊંઘ લેનાર લોકોમાં આવી ચરબી વધુ જોવા મળે છે.
સ્ટ્રેસ મેનેજમેન્ટ: દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક તણાવનો ભોગ તો બને જ છે. જેથી તણાવ નિયંત્રિત રહે તે જરૂરી છે. તણાવ નિયંત્રણમાં રાખવા મિત્રોને મળવું, પરિવાર સાથે સમય પસાર કરવો, મેડિટેશન અને યોગ્ય કસરત કરવી જોઈએ. આ ઉપરાંત નિષ્ણાંતની સલાહ પણ લઇ શકાય છે. માનસિક સ્વાસ્થ્ય સારું હશે તો શરીર પણ તંદુરસ્ત રહેશે
