ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે નદીઓમાં પણ જોવા મળી રહી છે. અંકલેશ્વર સહિત નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના વિસ્તારોમાંથી પસાર થતી અમરાવતી નદી હાલ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.અંકલેશ્વરના સેંગપુર, અવાદર અને દઢાલ ગામ નજીક નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.
વધેલા જળપ્રવાહને કારણે નદીના પટમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.ડ્રોન કેમેરામાં કેદ થયેલા આકાશી દૃશ્યોમાં અમરાવતી નદીનો પ્રચંડ પ્રવાહ અને તેની આસપાસ પથરાયેલું કુદરતી સૌંદર્ય સ્પષ્ટપણે નજરે પડે છે. નદીના રૌદ્ર સ્વરૂપ સાથે હરિયાળાથી છવાયેલા વિસ્તારોના મનોહર દૃશ્યો પણ લોકોને આકર્ષી રહ્યા છે.પ્રશાસન દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને નદીમાં કે તેની નજીક જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.
