અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં આવેલ દિવ્ય પંચ શાળા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે LRDની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાતા તમામ ઉમેદવારો સહિત લોક રક્ષક ભરતી બોર્ડે રાહતનો શ્વાસ લીધો હતો. લોકરક્ષક દળની ભરતી માટે આજે રાજ્યભરમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. અગાઉ શારીરિક કસોટી પાસ કરી હોય તે ઉમેદવારોની આજે લેખિત પરીક્ષા યોજાઈ હતી. આ માટે તમામ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાઈ હતી.
કોઈ ગેરીરીતિ ન થાય તે માટે લોક રક્ષક ભરતી બોર્ડે તમામ વ્યવસ્થાને પારદર્શક બનાવવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરના ઉમેદવારો 7 મહાનગરોમાં 2.94 લાખ જેટલા ઉમેદવારો આજે પરીક્ષા આપી હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને બાયોમેટ્રિક સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને એક જ વર્ગખંડમાં એક જ જિલ્લાના ઉમેદવાર ન હોય તે પ્રકારે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
જોકે, આ વખતે LRDની પરિક્ષાના ઉમેદવારો માટે પરીક્ષા ખંડમાં જ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની હાજરીમાં જ ઉત્તરવહીઓ પેક કરવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર સહિત પીએસઆઈ કક્ષાના અધિકારીઓ પરીક્ષા કેન્દ્રોમાં હાજર રહ્યા હતા. જોકે, પરીક્ષામાં ગરબડ કરે તેવા તત્વો હોય તો તેમની સામે સખત પગલા ભરવાની પણ સૂચના આપવામાં આવી છે. જે-તે સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને પટ્ટાવાળાઓ માટે મોબાઈલ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. સાથે જ OMR સીટનું 24 કલાકમાં સ્કેનિંગ કરીને ઓનલાઈન મુકી દેવા આયોજન કરાયું છે. જોકે, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાતા તમામ ઉમેદવારો સહિત લોક રક્ષક ભરતી બોર્ડે રાહતનો શ્વાસ લીધો હતો.