લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા પાસે ગમખ્વાર અકસ્માત

હાલોલ-આણંદથી દ્વારકા જતા પદયાત્રીઓના સંઘને આઇસરે લીધા અડફેટે

અકસ્માતમાં એક પદયાત્રીનું મોત, 8 ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર-લીંબડી હોસ્પિટલ ખસેડાયા

65થી વધુ પદયાત્રીઓનો સંઘ જઈ રહ્યો હતો દ્વારકા દર્શનાર્થે

અકસ્માત સર્જી આઇસર ચાલક ફરાર, પોલીસે હાથ ધરી વધુ તપાસ

સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હાલોલ-આણંદથી દ્વારકા જતા પદયાત્રીઓને આઇસરે અડફેટે લેતા એક યાત્રીનું કરુણ મોત નીપજ્યું હતું,જ્યારે 8 પદયાત્રીઓ ઇજાગ્રત  થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર આવેલા કાનપરા પાસે એક અત્યંત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હાલોલ અને આણંદ પંથકમાંથી 65થી વધુ શ્રદ્ધાળુઓનો પદયાત્રી સંઘ પગપાળા દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યો હતો. આ દરમિયાન કાનપરા નજીક પૂરઝડપે આવી રહેલા એક બેફામ આઇસર ચાલકે પદયાત્રીઓને જોરદાર અડફેટે લીધા હતા.અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.

આ ગંભીર દુર્ઘટનામાં આઇસરની અડફેટે કુલ 8 જેટલા પદયાત્રીઓ આવ્યા હતા, જેમાંથી એક શ્રદ્ધાળુનું કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત થયેલા પદયાત્રીઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે લીંબડી અને સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત સર્જ્યા બાદ આઇસર ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ફરાર આઇસર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.