ગુજરાતી ફિલ્મ ઓમ મંગલમ સિંગલમની સ્ક્રીન પ્રિન્ટ નું રેકોર્ડિંગ કરી પાયરસી ઓનલાઈન લીક કરનાર બે યુવાનોને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા છે. આ બંને યુવાનો તો માત્ર હાથો છે. તેની પાછળ મોટા માથાનો દોરી સંચાર હોવાનું શંકાના આધારે પોલીસે મોટા માથા સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યા છે.ગુજરાતી ફિલ્મ ઓમ મંગલમ સિંગલમ રિલીઝ થઈ કે, થોડા જ સમય બાદ તે જુદા જુદા ઓનલાઇન પ્લેટફોર્મ પર લીક કરી દેવામાં આવી હતી. જે બાબતે જાણ ફિલ્મના ડાયરેક્ટર-પ્રોડ્યુસરની ટીમને થતા તેમણે આ બાબતે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે, આ ફિલ્મ ના સ્ક્રીન પ્રિન્ટ નું રેકોર્ડિંગ કરીને કોઈએ તેને ટેલિગ્રામ ચેનલ પર મૂકી દીધી હતી.
ટેલિગ્રામ ચેનલ ને ટ્રેક કરતા પોલીસે આ કૃત્ય રાજકોટ તથા સુરતથી થયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસ ને લિંક મળતા બે ટીમો રાજકોટ તથા સુરત રવાના કરી હતી અને આ ફિલ્મના સ્ક્રીન પ્રિન્ટ નું રેકોર્ડિંગ લીક કરનાર અને પોતાની ટેલિગ્રામ ચેનલ પર મુકનાર હાર્દિક બુદ્ધ ગીરી ગોસ્વામી તથા ઋષિ બાબુભાઈ મોલીયા ને તેમના ઘરેથી ઝડપી લીધા હતા. હાર્દિક એમ.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ તે યોગેશ્વર જેમ્સ નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. જ્યારે 12 સાયન્સ સુધી અભ્યાસ કરનાર સુપર ઓટો ઇન્ડસ્ટ્રી માં ઓપરેટર તરીકે કામ કરે છે. તેમની પ્રાથમિક પૂછપરછમાં એવું સામે આવ્યું હતું કે, તેમણે સ્ક્રીન પ્રિન્ટ નું રેકોર્ડિંગ કરીને પોતાની ટેલિગ્રામ ચેનલ પર પેઈડ કસ્ટમરને જોવા માટે લીક કરી હતી. તેમણે આવી રીતે કેટલીક ફિલ્મો લીક કરી હતી અને તેમની સાથે કોણ સંકળાયેલું છે તેની તપાસ ચાલી રહી છે.