ગુજરાતી ફિલ્મ 'હલકી ફુલકી'નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ગુજરાતી ફિલ્મ 'નટસમ્રાટ', 'ચોક એન્ડ ડસ્ટર' અને 'ગુજરાત 11 નામની ફિલ્મો બનાવી ચૂકેલા દિગ્દર્શક જયંત ગિલાટરે બનાવી છે અને શત્રુઘ્નસિંહ સોલંકી તથા જયંત ગિલાટરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં નેહા મહેતા, આનંદી ત્રિપાઠી, જયકા યાજ્ઞિક, ભાવિની ગાંધી, આંચલ શાહ, રચના પકાઈ, પૂર્વી દેસાઈ, દિશા ઉપાધ્યાય, સાત્વી ચોક્સી અને માનસી જોશી સહિતની અભિનેત્રીઓએ કામ કર્યું છે.
ફિલ્મનું ટ્રેલર અલગ અલગ પાત્રો સાથેનું રોમાંચક છે. જેમાં અનેરી, આનંદી, પોલિસીભાભી, કીર્તિ, શક્તિ, ગાયત્રી, નીરજા, પરી અને વાણી એમ 9 મહિલાઓની વાત કરવામાં આવી છે. જેઓ એકબીજા સાથે સમય વિતાવે છે અને માને છે કે પોતે ખુશ છે. એમાંથી કોઈ ગૃહિણી છે, કોઈ ડબિંગ આર્ટિસ્ટ છે, કોઈ ઈન્ટિરીયર ડિઝાઈનર છે તો કોઈ જીવન વીમા પોલિસીની એજન્ટ છે. તેઓ ક્યારેક અનેરીના ઘરે ભેગા થાય છે તો ક્યારેક મોલ, થિયેટર, બગીચા કે પબમાં. તેમને માત્ર પત્ની, માતા કે બહેન તરીકે જિંદગી નથી પસાર કરવી, તેમને લાઇફ એન્જોય કરવી છે.
દોઢ મિનિટના ટ્રેલરમાં આ મહિલાઓની મસ્તી છે, હાસ્ય છે, રુદન છે અને જિંદગી સાથેની લડાઈ છે. 'હલકી ફુલકી' ગુજરાતી ફિલ્મને આધુનિક ટચ અપાયો છે અને પરિવાર સાથે જોઈ શકાશે તેવું પ્રતિત કરાવે છે. આ 'હલકી ફુલકી' ફિલ્મ તમારા નજીકના સિનેમાઘરોમાં 17મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.ગુજરાતી ફિલ્મ 'હલકી ફુલકી'નું ટ્રેલર થયું લોન્ચ; 17 ડિસેમ્બરે થશે રિલીઝ