ફેસબૂકના સર્જક ઝુકરબર્ગે ભારતને ખાસ દેશ ગણાવ્યો, વોટ્સએપ પેમેન્ટ સેવાઓ વધુ વિસ્તારશે

New Update
ફેસબૂકના સર્જક ઝુકરબર્ગે ભારતને ખાસ દેશ ગણાવ્યો, વોટ્સએપ પેમેન્ટ સેવાઓ વધુ વિસ્તારશે

ફેસબૂકના વડા માર્ક ઝુકરબર્ગ સાથેની એક મહત્વની વાતચીતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ભારતનો મધ્યમ વર્ગ જે હાલ દેશના કુલ પરિવારમાં 50 ટકા છે તે દર વર્ષે ત્રણથી ચાર ટકાના દરે વધશે. તેમણે એમ પણ જણાવ્યું કે, "હું દૃઢપણે માનું છું કે આગામી બે દાયકામાં ભારત વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન પામશે."વધારે મહત્વનું એ છે કે ભારત વિશ્વની અગ્રણી ડિજિટલ સોસાયટી બનશે, જેનું સંચાલન યુવાન લોકો કરતાં હશે. "અને આપણી માથાદીઠ આવક જે અત્યારે 1800-2000 અમેરિકી ડોલર છે તે વધીને 5000 અમેરિકી ડોલર થશે," તેમ પણ તેમણે જણાવી ઉમેર્યું કે આગામી દાયકાઓમાં ઝડપી બની રહેલા સામાજિક અને આર્થિક પરિવર્તનના દૌરમાં ભાગ લેવા ફેસબૂક અને તેવા જેવી વિશ્વની અન્ય અગ્રણી કંપનીઓ પાસે ભારતમાં સ્થાન જમાવવા માટે સુવર્ણ તક છે.

ફેસબુકના સર્જક ઝુકરબર્ગે કહ્યું હતું કે, નોંધનીય ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિ ધરાવતું ભારત તેમના માટે ખાસ દેશ છે અને એટલા માટે જ તેઓ ઇચ્છે છે કે તાજેતરમાં જ લોન્ચ થયેલી વોટ્સએપ પેમેન્ટ સેવાઓ ભારતમાં તેઓ ઊંડે સુધી વિસ્તારશે. ઝુકરબર્ગે જણાવ્યું કે, "ગત મહિને જ અમે ભારતમાં વોટ્સએપ પેમેન્ટ સેવા શરૂ કરી છે -- હવે તમે તમારા મિત્રો અને સંબંધીઓને મેસેજ જેટલી જ સરળતાથી વોટ્સએપ પે દ્વારા રૂપિયા પણ મોકલી શકો છો. આ બધું જ UPI પેમેન્ટ સિસ્ટમના કારણે સરળ બન્યું છે જે ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે."તેમણે એમ પણ જણાવ્યું કે, યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ (UPI)ના કારણે અલગ અલગ એપ ઉપર પેમન્ટ સ્વીકારવાનું દરેક માટે સરળ બન્યું છે. દેશમાં પોસાય તેવી કનેક્ટિવિટી આપવાના સ્વ.ધીરુભાઈ અંબાણીના સ્વપ્નનો ઉલ્લેખ કરતાં ઝુકરબર્ગે કહ્યું હતું કે, "આજે ભારતીયો એક પોસ્ટકાર્ડની કિંમત કરતાં પણ ઓછા ખર્ચમાં કોઈની પણ સાથે વાતચીત કરી શકે છે અને અમે મેસેજિંગ વિકસાવવામાં પણ એ જ પ્રયાસ કર્યો છે… અને આપણે સાથે મળીને પેમેન્ટ માટે પણ એવું જ કરીશું કે જેનાથી લોકો એટલી જ સરળતાથી ભારતની નવી યુપીઆઇ સિસ્ટમનો ઉપયોગ કરી શકે, જે ખરેખર બહુ જ મહાન સિદ્ધિ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં જ ફેસબૂકે જિયો પ્લેટફોર્મ્સમાં 5.7 બિલિયન અમેરિકી ડોલરનું (રૂ.43,574 કરોડ) મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી હતી.

Latest Stories