ભરૂચમાં ધરણા પ્રદર્શન
કલેકટર કચેરી બહાર વિરોધ
જંબુસરના મહાપુરા ગામના ખેડૂતોનો વિરોધ
પાવરગ્રીડ લાઇનમાં યોગ્ય વળતર ન અપાયું હોવાના આક્ષેપ
યોગ્ય વળતરની કરવામાં આવી માંગ
ભરૂચના જંબુસર તાલુકાના મહાપુરા ગામના ખેડૂતો દ્વારા પાવરગ્રીડ લાઇનની કામગીરીમાં જમીનનું યોગ્ય વળતર ન મળ્યું હોવાના આક્ષેપ સાથે કલેકટર કચેરી બહાર ધરણા પ્રદર્શન યોજાયું હતું.વિરોધ કરી રહેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી
ભરૂચના જંબુસર તાલુકાના મહાપુરા ગામના ખેડૂતો દ્વારા પાવરગ્રીડ લાઇનની કામગીરીમાં જમીનનું યોગ્ય વળતર ન મળ્યું હોવાના આક્ષેપ સાથે ભરૂચ કલેક્ટર કચેરી બહાર ધરણાં પ્રદર્શન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતો દ્વારા જમીનના વળતરના મુદ્દે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં યોગ્ય ન્યાય મળ્યો ન હોવાની લાગણી વ્યક્ત કરી તંત્ર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે વળતરની રકમ નક્કી કરવાની પ્રક્રિયામાં MRCના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નથી. જમીનની વાસ્તવિક કિંમત, સ્થાનિક બજારભાવ અને ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને વળતર નક્કી થવું જોઈએ તેવી તેમની મુખ્ય માંગ છે.
ખેડૂતોનું કહેવું છે કે વર્ષો સુધી મહેનત કરીને તૈયાર કરેલી જમીનમાંથી પાવરગ્રીડ લાઇન પસાર થતી હોય ત્યારે તેના બદલામાં મળતું વળતર પણ જમીનના વર્તમાન માર્કેટ રેટ પ્રમાણે હોવું જરૂરી છે.કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે દરમિયાનગીરી કરી ધરણાં કરી રહેલા ખેડૂતોની અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે કલેક્ટર કચેરી બહાર થોડા સમય માટે માહોલ ગરમાયો હતો.ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે કે તેમની જમીનનું યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી ગામમાં ભૂખ હડતાળ આંદોલન શરૂ કરવામાં આવશે
