દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના 3 ગામના ખેડૂતોએ પાછોતરાં વરસાદ બાદ થયેલ નુકશાનીના સહાય માટે જિલ્લા સેવાસદન ખાતે અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હત. જેમાં ખેડૂતોએ જિલ્લા સેવાસદનના પરિસરમાં ગરબા રમી જય જવાન જય કિસાનના નારા સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના કેટલાક ગામોમાં ચાલુ વર્ષે પાછોતરો વરસાદ થતાં ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે. જેમાં લલિયા, માંઝા તેમજ ભટ્ટગામના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાનું બહાર આવ્યું છે, ત્યારે જિલ્લા કલેકટર કચેરી ખાતે ત્રણેય ગામના 80થી વધુ ખેડૂતો આવેદનપત્ર પાઠવવા માટે આવી પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોએ ગરબા રમી અને “જય જવાન, જય કિસાન”ના નારા સાથે પોતાનો અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
ખંભાળીયા તાલુકામાં પાછોતરાં વરસાદના કારણે ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે. હાલ ખેડૂતો અત્યંત ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ખેડૂતો માત્ર ખેતી આધારિત હોવાથી વરસાદના કારણે મગફળી, કપાસ, તલ, અળદ જેવા પાકોને ઘણું નુકશાન થયું છે. જેથી ખેડૂતોને હવે પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. આર્થિક ભીંસમાંથી પસાર થતા ખેડૂતો માટે હવે શિયાળુ પાક માટે પણ રૂપિયા રહ્યા નથી. તેવામાં પોતાને થયેલ નુકશાની અંગે સરકાર દ્વારા સહાય તેમજ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી.