ગુજરાતના 1.25 લાખથી વધુ ધારાશાસ્ત્રી વેલ્ફેર માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 6 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સહિતના હોદ્દેદારોને રૂ. 6 કરોડની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

સરકાર તરફથી માતબર રકમની ફાળવણી રાજયભરના વકીલોના હિત માટે કરવામાં આવતા ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સહિતના પદાધિકારીઓએ રાજ્ય સરકારનો ખાસ કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકાર દ્વારા બજેટ સત્ર દરમ્યાન રાજયના વકીલોના કલ્યાણ અર્થે રૂ. 6 કરોડની માતબર રકમની સહાયની જાહેરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન અનિરૂધ્ધસિંહ ઝાલા સહિતના હોદ્દેદારોને ચેક અર્પણ કર્યો હતો. ગુજરાતના સવા લાખથી વધુ વકીલોના કલ્યાણ માટે તેમને આર્થિક સહાય આપવા ભાજપ લીગલ સેલ કન્વીનર તથા પૂર્વ ચેરમેન જે.જે.પટેલ, પૂર્વ ચેરમેન અનિલ સી. કેલ્લા તથા બાર કાઉન્સિલની સમરસ ટીમ દ્વારા રાજ્ય સરકારમાં અગાઉ વારંવાર રજૂઆત કરાઇ હતી. જેના ભાગરૂપે આખરે સરકારે વકીલ આલમની લાગણીને ધ્યાનમાં રાખી હકારાત્મક અભિગમ અપનાવી આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો હતો.