ગુજરાતમાં દિવાળીની રાત્રે લોહિયાળ ઝપાઝપી

દિવાળી પર્વમાં શોક અને સન્નાટાનો માહોલ છવાયો

ભાવનગર, સુરેન્દ્રનગર,સુરતમાં હત્યાની ચાર ઘટનાઓ

ભાવનગરમાં યુવકની હત્યા બાદ પરિવાર પર હુમલો

સુરતમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલીમાં બે યુવકોના મોત

દિવાળી તહેવારના માહોલ વચ્ચે ક્ષુલ્લક બાબતો અને જૂની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કરતા ભાવનગર, સુરેન્દ્રનગર અને સુરતમાં હત્યાની ચાર ગંભીર ઘટનાઓ ઘટી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને સન્નાટો છવાઈ ગયો હતો.

દિવાળીના પાવન પર્વ પર જ ગુજરાતના અલગ-અલગ શહેરોમાંથી અત્યંત દુઃખદ અને ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે.તહેવારના માહોલ વચ્ચે ક્ષુલ્લક બાબતો અને જૂની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કરતાં ભાવનગર, સુરેન્દ્રનગર અને સુરતમાં હત્યાની ચાર ગંભીર ઘટનાઓ ઘટી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને સન્નાટો છવાઈ ગયો છે.

સૌપ્રથમ વાત કરીએ તો, ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં દિવાળીની રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. જમવાનું પાર્સલ લેવા ઘરેથી નીકળેલા રોહિત ઉર્ફે બટુ નામના યુવક પર અજાણ્યા શખ્સો દ્વારા ધારિયા, છરી અને ધોકાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

પરિવારજનોના આક્ષેપ મુજબ જૂની અદાવતની દાઝ રાખી આ હુમલો કરાયો હતો. એટલું જ નહીં, હુમલાખોરોએ રોહિતના ઘરે જઈને તેના માતા-પિતા પર પણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજા પામેલા રોહિતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે તેના માતા-પિતાને હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાને પગલે ગંગાજળિયા પોલીસ કાફલો દોડી ગયો હતો અને વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરી છે.

બીજી ઘટના સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઓવનગઢ ગામ નજીક નિભણી ડેમ પાસેથી સામે આવી છે. બે દિવસ અગાઉ દારૂ પીવાની બાબતે થયેલી મારામારીની અદાવતમાં રામજી જેસીંગ ડાભી ઉર્ફે રમેશ જાદવ સરવૈયા પર હુમલો થયો હતો. ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા રમેશ ડાભીનું સારવાર દરમિયાન મોત થયું છે. ડેમ પર પાર્ટી દરમિયાન માથાકૂટ થઈ હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.અને પોલીસ દ્વારા ઘટનામાં ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

આ તરફ સુરતમાં પણ તહેવારની ખુશીઓ માતમમાં ફેરવાઇ ગઇ હતી. સુરતના ભટાર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી નજીવી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં 18 વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ યુવકની છાતીમાં એક પછી એક 5 ઘા ઝીંકી દીધા હતા, જેથી હોસ્પિટલ લઈ જતા તેનું મોત નીપજ્યું હતું. ખટોદરા પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ તેજ કરી છે.

સુરતની જ બીજી એક ઘટનામાં લિંબાયત વિસ્તારની વૃંદાવન નગર-2 સોસાયટીમાં ફટાકડા ફોડવાની સામાન્ય બાબતે મોડી રાત્રે લોહિયાળ સંઘર્ષ થયો હતો. વિકાસ નામના 24 વર્ષીય યુવક પર નિલેશ અને પંકજ નામના બે શખ્સોએ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે વિકાસનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ગલીની બહાર નીકળતી વખતે થયેલી આ માથાકૂટથી લિંબાયત પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવાળી જેવા આનંદના તહેવારમાં સામાન્ય બોલાચાલી અને અદાવતના કારણે બનેલી આ હત્યાઓની ઘટનાઓએ કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.