અંકલેશ્વર શહેરમાં એસ.એ. મોટર્સ નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી. ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા જ આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા ઊડ્યા હતા, જેને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.ઘટનાને પગલે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
આગની જાણ થતાં ડી.પી.એમ.સી.ની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. સદનસીબે ફાયર ટીમે સમયસર આગ પર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.
