વાહનો ભાડે આપવાના નામે મોટી છેતરપિંડી

સોલાર કંપનીમાં વાહનો ભાડે આપવા માટે આપી હતી લાલચ

ભેજાબાજોએ 51 જેટલા વાહનો ભાડે રાખી ભાડું ચૂક્યું નહોતું

આખરે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી

પોલીસે ચાર ભેજબાજોની ધરપકડ સાથે 47 વાહનો રિકવર કર્યા  

સુરેન્દ્રનગર જિલ્લામાં સોલાર કંપનીમાં વાહનો ભાડે આપવાના નામે મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે,અને પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સોલાર કંપનીમાં વાહનો ભાડે આપવાના નામે મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે,સોલાર કંપનીમાં વાહનો માસિક ભાડે રાખવામાં આવશે તેવી લાલચ આપી આરોપીઓ દ્વારા ટ્રેક્ટર, JCB, ફોરવ્હીલ સહિતના વાહનો મેળવવામાં આવ્યા હતા.

જેમાં ટ્રેક્ટર માટે રૂપિયા 25 હજાર, JCB માટે રૂપિયા 90 હજારથી રૂપિયા 1.20 લાખ અને ફોરવ્હીલ માટે રૂપિયા 60 હજાર સુધીનું માસિક ભાડું આપવાની લાલચ આપવામાં આવતી હતી.અને 51 જેટલા વાહનો મેળવવામાં આવ્યા હતા.જોકે વાહનો મેળવ્યા બાદ નક્કી કરાયેલું માસિક ભાડું ચૂકવવામાં આવ્યું નહોતું અને વાહન માલિકોએ વાહનો પરત માંગતા વાહનો પરત કરવામાં આવ્યા નહોતા.

આ સમગ્ર મામલે મુળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા એલસીબી અને મુળી પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી હતી.અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે તપાસ દરમિયાન ચાર આરોપીઓ અર્જુન ઉર્ફે અરજણભાઈ કરમણભાઈ જોગરાણા, અજીમ  ગનીભાઈ ધુણિયા, કિરણ સગરામભાઈ ડાભી અને ચતુર કાળાભાઈ સારદિયાની ધરપકડ કરી હતી,અને કુલ 47 વાહનો રિકવર કર્યા હતા.તેમજ આ ઘટનામાં પૌલુસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.