દોસ્તી : मेरी हँसी में नहीं है तो मेरी आह में है मेरा तो जो भी क़दम है वो तेरी राह में है....

New Update
દોસ્તી : मेरी हँसी में नहीं है तो मेरी आह में है मेरा तो जो भी क़दम है वो तेरी राह में है....

બાળપણના સોસાયટી ગલી મહોલ્લામાં દોસ્તો, સ્કૂલમાં દોસ્તી, હાઇસ્કૂલમાં દોસ્તી, કોલેજમાં ગ્રૂપમાં દોસ્તી, નોકરી ધંધામાં થયેલી દોસ્તી, ક્રિકેટ કે શોખને કારણે બનેલા દોસ્તોને યાદ કરવા સામાજિક પ્રસંગ અથવા મેળાવળો તો થવો જોઈએ. આ મોકો ન મળતો હોય તો આપણે તહેવારોની ક્યાં ખોટ છે? હોળી અને દીવાળી તો સંબંધો જાળવવા માટે યજ્ઞસ્વરુપ છે. ખાલી સમય અને સંજોગો ભેગા કરી ઉમળકાની સ્વાહા આપી એટલે વર્ષો જૂના સંબંધો તાજા.....

નવા જમાનામાં સોશિયલ મિડીયાના કારણે કદાચ જિંદગીમાં દોસ્તી ક્યારે પણ ભેગા ના થાય, એ પણ કમસેકમ વર્ચ્યુઅલ તો મળતા થઈ ગયાં. જૂના દોસ્તોને મળવું, પરિવાર અને પોતાના ધંધા રોજગારની વાતો કરવી....જિંદગીમાં મેળવેલા એચીવમેન્ટ દોસ્તોને જણાવવું અને ખાલી દોસ્તો તરફથી વાહવાહી મળે એટલે સ્વર્ગ... હા, પરણિત પુરુષોને આજકાલ તફલીફ તો થાય. જ્યારે પત્નીને સોસાયટી મહોલ્લાના ગ્રૂપમાં, સ્કૂલ ગ્રૂપમાં અને કોલેજ ગ્રૂપમાં એડ કરવામાં આવે...પતિ વિચારે તો ખરો કે આ નવા સગલા કોણ હશે?....એમાં પણ કોઈ થોડો સવિશેષ થવા લાગે તો ટેન્શન ટેન્શન.... યહી તો દોસ્તી કી હવા....

એની વે, સોશિયલ મિડીયાના નવા યુગમાં માનવ સ્વભાવ પણ બદલાતો જાય છે. વ્યક્તિ પસંદગી બાબતે કદાચ વધુ આગ્રહી બનતો જાય છે. ફિલ્મ જોવા માટે થિયેટર બદલવા પણ તૈયાર થતો નથી. જો થિયેટર કે મનગમતી બ્રાન્ડ ન બદલી શકે તો વિચારોનો સ્વીકાર કેવી રીતે કરી શકે? દોસ્તી એ કોઇ જાતિ કે સ્ત્રી પુરુષ વચ્ચે નથી, પણ ઉદારતાનું સ્વરૂપ છે. તું જે માને છે, તને જે પસંદ છે, તને જેવું ગમે છે એ સાથે તારો સ્વીકાર છે. નરેન્દ્ર મોદી પસંદ હોય અને બીજો મિત્ર રાહુલ ગાંધી પસંદ કરતો હોય તો વોટ્સએપ ગ્રૂપ સાથે બાળપણના સપના તૂટી જાય છે. ટીવી પર આવતી લાઉડ ચર્ચા સાંભળીને આપણે રાજકીય મત બદલવા તૈયાર નથી. કોઈ નેતાના, અભિનેતાના કે ધાર્મિક ઐતિહાસિક વ્યક્તિત્વની અમુક વાત ગમે, કેટલીક બાબતો ન પણ ગમે એવું બની શકે. આપણે ધીમે ધીમે જડતા તરફ ભાગી રહ્યાં છીએ. સો ટકા મારી વાતનો સ્વીકાર કરવો અથવા સંબંધ પર પૂર્ણવિરામ. આ પદ્ધતિ બદલાવી જોઈએ. સોશિયલ મિડીયામાં સામી વ્યક્તિ ને પરેશાન કરવા ન ગમતા વિષયો પર ફોર્વર્ડેડ મેસેજનો મારો કરવો એ દોસ્તીની સંવેદના નથી.

હા, સોશિયલ મિડીયાના યુગમાં દોસ્તીની પરિભાષા બદલાતી જાય છે. સ્વજનના નિધનમા ઓમ શાંતિ મેસેજ પણ હાજરી પૂરાવી શકે છે. તમારા બધા પ્રસંગોમાં બધાં જ બનાવેલાં દોસ્તો હાજરી આપે તે જરૂરી નથી. દોસ્તી તો ગાંડીઘેલી છે. તમે ફરવા માટે જાવ છો અને સહપ્રવાસીનો પૂરી યાત્રામાં સાથ મળતો જાય અને ઘરે આવ્યા બાદ એ સંબંધ લગભગ પૂરો. નોકરી બદલો કે ઘર બદલો એટલે પડોશી સાથે સંબંધ ધીમે ધીમે પૂરો. દરેક સંબંધની ઉંમર લખેલી હોય છે. સોશિયલ મિડીયા કે કોઈક કારણસર સ્ત્રી પુરુષ વચ્ચે સામાન્ય મિત્રતા કરતાં વધુ અને પ્રેમ કરતાં થોડું ઓછું હોય એવા સંબંધ સર્જાય તો તેની પણ લાઇફ લાઇન તો લખેલી જ છે. કશું કાયમી નથી, માટે દોસ્તી હેન્ડલ વીથ કેર ફોર્મ્યુલામાં આવે છે.

દોસ્તી કરવી, દોસ્ત બનાવવા સાવ સહેલું છે. વાત છે દોસ્તી ટકાવવાની. લાંબા સમય માટે સંબંધ ટકાવવો બહુ જવાબદારી ભર્યું જોખમ છે. પરિવારમાં સંબંધમાં ખટાશ આવે તો વડીલો અને પરિવારજનો મદદ કરતાં હોય, છેવટે પારિવારિક પ્રસંગોમાં ય મળવાનું થાય.

દોસ્તીમાં કોઈ વચ્ચે હોતું નથી. વર્ષો સુધી સુખ દુઃખમાં સાથે હર્યા ફર્યા હોઇએ, ત્યાં માત્ર ભાઇબંધી જ હતી. ભગવાન ક્રુષ્ણ પણ આ સમસ્યામાંથી પસાર થયા છે, જ્યારે જ્યારે વરદાન માંગવાનો મોકો મળ્યો ત્યારે હમેશા એક જ વરદાન માંગતા.... મારી અર્જુન સાથે દોસ્તી જળવાઇ રહે...ભગવાનને પણ ખબર હતી કે દોસ્તી બહુ નાજૂક તાતણા પર નભતી વજનદાર ભેટ છે. રામ પણ દોસ્તીનો મતલબ સમજતા હતા. કેવટ હોય, સુગ્રીવ હોય કે વિભિષણ... રામની સમજદારી દોસ્તીની જવાબદારીના વજનના સામા પલ્લામાં જઇને બેસતી. સમજદારી જવાબદારીને બેલેન્સ કરતી...સોળે કળાએ ખીલેલી પ્રકૃતિમાંય દોસ્તી જ છે.. વરસાદની પ્રક્રુતિ જ વરસવાની છે, ધરતીની પ્રકૃતિ વરસાદનો સ્વીકાર કરી યોગ્ય માર્ગ આપવાનું છે....એકબીજાનો સતત માર્ગ બનતા રહીએ.

ॐ सह नाववतु ।

सह नौ भुनक्तु ।

सह वीर्यं करवावहै ।

तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै ।

ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

તૈત્રયા ઉપનિષદનો આ શ્લોકનો બહુ વ્યવહારિક અર્થ પણ છે. સાથે રહીએ અને સાથે ભોગવીએ, સાથે શક્તિ પ્રાપ્ત કરીએ. સાથે તેજ મેળવીએ અથવા સામર્થ્ય પ્રાપ્ત કરીએ. આટલે સુધી તો બરાબર છે. સમસ્યા હવે જ શરૂ થાય છે... કશું ન હતું ત્યાં સુધી તો પ્રતિકૂળતા ચાલી ગઇ, પણ બધું મેળવ્યા પછી પણ દ્વેષ નહી કરીએ. આપણે એકબીજાનો દ્વેષ નહીં કરીએ. આ વાત સમર્થ થયા પછી દોસ્તીને પચાવવા માટે અઘરી છે....એટલે જ ઉપનિષદ ના શાંતિ મંત્રએ કહી દીધું કે જો સંબંધનો તાંતણો ટક્યો અથવા કદાચ ન પણ ટક્યો તો શું?.....તો માત્ર અને માત્ર....

ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

Deval Shastri

Blog by : Deval Shastri

Latest Stories