Connect Gujarat
Featured

દેશમાં 21મી જુનથી 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મફતમાં વેકસીનેશન મળશે

દેશમાં 21મી જુનથી 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મફતમાં વેકસીનેશન મળશે
X

કોરોનાની મહામારીની બીજી લહેરથી દેશની આરોગ્યલક્ષી વ્યવસ્થાની પોલી ઉઘડી ગઇ છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળામાં નવમી વખત દેશની જનતાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કેન્દ્ર સરકાર રાજય સરકારોને વિનામુલ્યે કોરોનાની રસી આપશે અને 21મી જુનથી 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને વિનામુલ્યે રસી આપવામાં આવશે તેવી તેમણે જાહેરાત કરી છે.


કોરોનાની બીજી લહેરમાં ઓકિસજનની અછત, બેડ તથા દવાઓની તંગીએ દેશની આરોગ્યલક્ષી સુવિધાઓની વાસ્તવિકતાને આખી દુનિયાની સામે લાવી દીધી હતી. વિદેશો તથા સેવાભાવી સંસ્થાઓની મદદ બાદ હવે ઓકિસજન પ્લાન્ટ સહિતની સુવિધાઓ મળતી થઇ છે. બે મહિના પહેલાં કોરોનાના દર્દીઓ તથા તેમના સ્વજનોની રઝળપાટથી સૌ કોઇના કાળજા કંપી ગયાં હતાં. હવે કોરોનાનો કહેર ઓછો થયો છે પણ ત્રીજી લહેર આનાથી પણ ખતરનાક હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે. આ બધાની વચ્ચે સોમવારના રોજ વડાપ્રધાન મોદીએ દેશની જનતાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કોરોના સામે લડવા માટે સરકારે કરેલી કાર્યવાહીની જાણકારી આપી હતી. તેમણે કોરોનાને 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી ગણાવી હતી. કોરાનાની બીજી લહેરમાં ભારતની લડાઈ ચાલુ છે અને દેશમાં નવું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હોવાની માહિતી વડાપ્રધાને આપી હતી.કોરોનાની બીજી લહેર સામે લડવા સમગ્ર વિશ્વમાં સંસાધન એકત્રિત કરવામાં આવ્યાં છે તેમજ અત્યાર સુધીમાં વેક્સિનના 23 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે.વેક્સિન આપણા માટે સુરક્ષા કવચ, કોરોનાથી બચવા માટે સવધાની જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે. વધુમાં 21મી જુન વિશ્વ યોગ દિવસના અવસરથી દેશના 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને વેકસીન મફતમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Next Story