Connect Gujarat
Featured

ગાંધીનગર : સી.આર.પાટીલ પાસે Remdesivir ઇન્જેકશન કયાંથી આવ્યાં તે તેમને પુછો : સીએમ

ગાંધીનગર : સી.આર.પાટીલ પાસે Remdesivir ઇન્જેકશન કયાંથી આવ્યાં તે તેમને પુછો : સીએમ
X

રાજયમાં વધી રહેલાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 20 ધન્વન્તરી રથનું લોકાર્પણ કર્યું છે પણ સૌથી મોટો વિવાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે 5000 જેટલા Remdesivir ઇન્જેકશન વિનામુલ્યે આપવાની જાહેરાતથી થયો છે. આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સી.આર.પાટીલે તેમની જાતે ઇન્જેકશનની વ્યવસ્થા કરી હશે સરકારે કોઇ ઇન્જેકશન આપ્યાં નથી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં કોરોનાના ટેસ્ટીંગ વધે તે માટે 20 ધનવન્તરી રથનું લોકાર્પણ કર્યું છે. રથમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે તેમજ કોરોના માટેનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. ડાયાબિટિસ, બ્લડ સુગર, હિમોગ્લોબીનનો ટેસ્ટ પણ કરી આપવામાં આવશે. ધન્વંતરી રથ દ્વારા જ દર્દીઓને દવાઓ પણ અપાશે. અમદાવાદમાં હાલમાં 35 ધન્વંતરી રથ કાર્યરત છે. લોકોમાં સંક્રમણ વધી જાય તે બાદ તે દવાખાને આવે છે જેને કારણે મોત થાય છે એટલે આ મામલે જો પહેલેથી જ ટેસ્ટ કરી લેવામાં આવે તો કોરોનાથી મોત અટકાવી શકાય.

એક સપ્તાહમાં 15 હજાર બેડની ક્ષમતા વધારી છે તથા 6700 ઓક્સિજન બેડ ઉભા કર્યા છે. ICU વધારીને 3100 બેડ કરવામાં આવ્યા છે. 965 વેન્ટિલેટરનો વધારો કર્યો છે. અમદાવાદમાં 5 હજાર, સુરતમાં 4 હજાર અને વડોદરામાં 3500 બેડનો વધારો કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના વિસ્તારમાં વધુ સંક્રમણ છે. સરકારે ઝડપથી સારવાર મળે તેવા પ્રયાસ કર્યા છે. લોકોને વિનંતી છે કે બહાર નીકળવાનું ટાળે. કામ પૂરતું જ લોકો બહાર નીકળે. સ્વંયભૂ જ લોકો બહાર નીકળવાનું ટાળે. માસ્ક ફરજિયાત પહેરવાનું રાખવું. સોશિયલ ડિસ્ટન્સ ઘટે તેવા કાર્યક્રમ ના કરે. લોકો પોતે જ ગંભીરતા દાખવે તો સારૂ રહેશે. સરકારને દંડના પૈસામાં રસ નથી. હાઈકોર્ટના ઓર્ડર મુજબ જ દંડ લઈએ છીએ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારે ભરેલા પગલાંઓ વિશે જણાવ્યું પણ હાલ સૌથી વિવાદ Remdecivir ઇન્જેકશનને લઇને થઇ રહયો છે. રાજયમાં દર્દીઓના સ્વજનો ઇન્જેકશન માટે મેડીકલ સ્ટોરના પગથિયા ઘસી રહયાં છે પણ તેમને ઇન્જેકશન મળતાં નથી. તેવામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરત અને નવસારીમાં 5000 લોકોને વિનામુલ્યે ઇન્જેકશન આપવાની જાહેરાત કરી છે. આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પુછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, સી.આર પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી તે વિશે તેમને પૂછો. સરકારમાંથી એક પણ ઈન્જેક્શન અમે આપ્યું નથી.

રાજયમાં લોકોને ઇન્જેકશન મળતાં નથી ત્યારે ભાજપ કાર્યાલય ખાતેથી ઇન્જેકશન વિતરણ શરૂ કરવામાં આવતાં વિપક્ષ કોંગ્રેસે સવાલો ઉભાં કર્યા છે. સુરત સહિતના શહેરોમાં Remdesivir ના ઇન્જેકશનોની અછત છે ત્યારે ભાજપ પાસે આટલી મોટી માત્રામાં ઇન્જેકશન આવ્યાં કયાંથી તેની તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસના પ્રવકતા મનીષ દોષીએ માંગણી કરી છે.

Next Story