ભગવદ્ ગીતા! જીવનની વાસ્તવિકતાઓથી આરંભી આદર્શોનાં અંતિમ શિખરો સર કરતું એક અભિયાન! એક એવું દિવ્ય રસાયણ જે જીવન ને બ્રહ્મત્વમાં રૂપાંતરિત કરી દે ……. એવું અધ્યાત્મમંથન જે તત્ત્વજ્ઞાન અને જીવનને એકરસ બનાવી દે ……વ્યક્તિથી વિશ્વશાંતિની સુધીની ચિંતનધારા! હા એજ ગ્રંથ છે જે વિષાદને પ્રસાદમાં પલટાવી દે છે .
ગીતાનું આકર્ષણ સાધારણ મનુષ્યોથી લઈને પ્રકાંડ પંડિતો, ઉચ્ચ કોટીના વિદ્વાનો, તત્વજ્ઞાનીઓ, વિચારકો, ફિલસૂફો, ચિંતકો, સંતો, ધર્માચાર્યો, કવિઓ, સાહિત્યકારો, ગીતકારો, કથાકારો અને ભજનીકોમા અતૂટ શ્રદ્ધા સાથે જોવા મળે છે.
આજે ગીતા જ્યંતી…….. શું કહે છે આ મહાનુભાવો એ ગ્રંથ વિશે જે એકમાત્ર એવો ગ્રંથ છે જેની જયંતી ઉજવાય છે …….
ગાંધીજીએ ગીતા વિષે પોતાનો અભિપ્રાય કહ્યો - ''મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છુ. હું તો ચાહું છુ કે ગીતા રાષ્ટ્રીય શાળાઓમાં જ નહીં પરંતુ પ્રત્યેક શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવામાં આવે.
વિનોબા ભાવેજીના ઉદ્ગારો પણ સંભાળવા જેવા છે - ''મારું શરીર માના દૂધથી પોષાયું છે. પણ તેથીએ વિશેષ મારું હૃદય અને મારી બુદ્ધિ એ બંનેનું પોષણ ગીતાના દૂધથી થયું છે.
હેન્રી ડેવિડ થોરો કહે છે - 'મારા જીવનના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આ નાનકડી પુસ્તિકામાં છે.'
વોરન હેસ્ટિંગ્સે પણ અનુભવ્યું કે - ''નીતિને ઉન્નતિના ટોચ પર પહોંચાડવામાં ગીતાનો ઉપદેશ અદ્વિતીય છે."
ઍડવીન આર્નોલ્ડે પણ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો તેનું નામ છે – ધ સોંગ સેલેશીયલ.
શંકરાચાર્ય-
દુઃખ માત્રની નિવૃત્તિ માટે અને પરમ સુખની પ્રાપ્તિ માટે ગીતાનું ગાન અને વિષ્ણુસહસ્ત્રનામનું રટણ યોગ્ય ઉપાય છે.
વલ્લભાચાર્ય -દેવકીપુત્રની ગીતા એકમાત્ર શાસ્ત્ર છે.
સ્વામી વિવેકાનંદ -ભગવદ્ ગીતા એ ઉપનિષદ રૂપી બગીચાઓ માંથી વીણી કાઢેલાં આધ્યાત્મિક સત્વ રૂપી પુષ્પોથી ગુંથેલી સુંદર છડી અથવા કલગી છે.
બંકિમચંદ્ર ચેટરજી -ગીતાને ધર્મનો સર્વોત્તમ ગ્રંથ માનવાનું કારણ એ છે કે તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ ને યોગ્ય ન્યાય આપવામાં આવ્યો છે. આવ્ય સામંજસ્ય બીજા કોઈ ગ્રંથમાં નથી.
પાંડુરંગ શાસ્ત્રીજી -ગીતાસાગરમાં ભાવ અને શ્રદ્ધાથી ડૂબકી મારીએ તો એકાદ રત્ન તો મળે જ અને જીવનમાં બદલાવ આવે જ.
મહાભારત
'घर्मे चार्थे च कामे च मोक्षे च भरतर्षभ।
यदिहास्ति तदन्यत्र यन्नेहाऽस्ति न तत् क्वचित्॥'
રચયિતા - મહર્ષિ વેદવ્યાસ
ૐ નમો નારાયણ