સુરેન્દ્રનગરના આકાશી આફતથી ભારે તારાજી

ચુડા તાલુકાનું ગોખરવાળા ગામ સંપર્ક વિહોણું બન્યું 

રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ 

રાજ હોટલ અંડરબ્રિજમાં પાણી ભરાતા રસ્તો બંધ કરાયો

ધાંગધ્રાની મુખ્ય બજાર જળમગ્ન બની

સુરેન્દ્રનગર જિલ્લામાં આકાશી આફતે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.ચુડા તાલુકાનું ગોખરવાળા ગામ સંપર્ક વિહોણું બનતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં પણ પાણી ભરાતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલા ગોખરવાળા ગામમાં ઉપરવાસના ભારે વરસાદથી પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર પાણીના તીવ્ર પ્રવાહને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે અને ગોખરવાળા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. તંત્ર દ્વારા લોકોને કોઝવે કે નદી-નાળામાંથી પસાર ન થવા માટે કડક સાવચેતીની અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ, શહેરના મુખ્ય ગણાતા રાજ હોટલ અંડરબ્રિજમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં મહાનગરપાલિકા દ્વારા આ રસ્તો વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. અંડરબ્રિજમાં પાણીનો નિકાલ કરવા માટે હાલ મહાનગરપાલિકાની ટીમો પંપ મૂકીને કામગીરી કરી રહી છે.

વરસાદની અસર માત્ર ગ્રામ્ય વિસ્તાર પૂરતી મર્યાદિત નથી. ધાંગધ્રા શહેરની મેઇન બજાર સહિત રાજકમલ ચોક અને શક્તિ ચોક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક લોકોએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.હાલ તંત્ર તમામ સ્થળે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના આપી રહ્યું છે.