હાલમાં રાજ્યમાં અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેને લઈને સરકારી તંત્ર પણ એક્શનમાં જોવા મળી રહ્યું છે. આ કડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને રાજ્યમાં સર્જાયેલી વરસાદી સ્થિતિની વિગતો હવામાન વિભાગ અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો પાસેથી મેળવી હતી.
હવામાન વિભાગના અધિકારીઓએ આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના અંગેની વિગત વાર જાણકારી આપી હતી.ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં થયેલા વરસાદ તેમજ અમદાવાદના ધોળકા તેમજ ખેડાના મહેમદાવાદ અને મહેસાણા જિલ્લાઓમાં થયેલ વરસાદની ઝીણવટ પૂર્વક વિગતો મેળવી હતી.
તેમણે જો રાત્રિ દરમ્યાન વરસાદ પડે તો તંત્રને હાઈ એલર્ટ પર રહીને સ્થિતિ પર સતર્કતા પૂર્વક નજર રાખવાની સૂચનાઓ આપી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા બધા જ જિલ્લાઓ સાથે હોટ લાઈનથી સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે એનડીઆરએફની 4 ટીમ દક્ષિણ ગુજરાતમાં પહોચી છે તેમાંથી 2 વલસાડ અને 1 નવસારી મોકલવામાં આવી છે તથા 1 ટીમ સુરતમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ટીમો બચાવ રાહત માટેના સાધનો અને બોટ સાથે જિલ્લા તંત્રની મદદમાં રહેશે.
એટલું જ નહિ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ સાવચેતીના ભાગ રૂપે એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમો રાખવામાં આવી છે. ગઈકાલે દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં 352 લોકોનું રેસ્ક્યું અને નવસારી વલસાડ માં 38 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠાની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ વિગતો મેળવી હતી. મુખ્ય સચિવ એમકે દાસે આ બેઠકમાં કહ્યું હતું કે રાજ્યનું સમગ્ર તંત્ર પૂરતા મેન પાવર અને સાધન સામગ્રી સાથે સજ્જ છે. મુખ્ય મંત્રીએ વરસાદ રહી જાય અને પાણી ઓસરે તે પછી સાફ સફાઈ, માર્ગ મરામત અને આરોગ્ય વિષયક પગલાંઓ ત્વરાએ લેવાય તે માટે પણ સૂચનો કર્યા હતા.
