ભરૂચ જિલ્લા જેલ ખાતે ચેતના સંસ્થા, અમદાવાદ, ICDS વિભાગ તથા જિલ્લા જેલ વિભાગના સંયુક્ત સહયોગથી ડે કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ જેલમાં રહેલી મહિલાઓના બાળકોને સુરક્ષિત, આનંદમય અને બાળમૈત્રીપૂર્ણ વાતાવરણમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ (ECCE) ઉપલબ્ધ કરાવવાનો છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. ત્યારબાદ ડે કેર સેન્ટરના નાના બાળકો અને કાર્યકર બહેનોએ પ્રેમપૂર્વક તૈયાર કરેલી પેઇન્ટિંગ સ્મૃતિભેટ સ્વરૂપે મહાનુભાવોને અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય અવધિજા ગુપ્તા IAS, આસિસ્ટન્ટ કલેક્ટર, ભરૂચ ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે ડૉ. પુષ્પાબેન જોશી, ડાયરેક્ટર, ચેતના અમદાવાદ, કાશ્મી સાવંત, ICDS પ્રોગ્રામ ઓફિસર, ભરૂચ તેમજ એન.પી.રાઠોડ, અધિક્ષકશ્રી, જિલ્લા જેલ, ભરૂચ ઉપસ્થિત રહ્યા. સ્વાગત પ્રવચન બાદ મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં બાળપણના પ્રથમ વર્ષોના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને જેલમાં રહેલા બાળકોને પણ ગુણવત્તાસભર પ્રારંભિક સંભાળ, શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસની તકો ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ચેતના સંસ્થા, ICDS વિભાગ અને જેલ વિભાગની આ સંવેદનશીલ અને નવીન પહેલને બિરદાવી હતી.

ત્યારબાદ માનનીય આસિસ્ટન્ટ કલેક્ટરશ્રીના શુભ હસ્તે ડે કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉપસ્થિત સૌએ આ પહેલને જેલમાં રહેલા બાળકો માટે ઉજ્જવળ ભવિષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. ચેતના સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું કે આ ડે કેર સેન્ટર બાળકોને પ્રેમાળ, સુરક્ષિત અને શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડીને તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમજ બાળ અધિકારો અને ગુણવત્તાસભર પ્રારંભિક બાળ વિકાસ માટે એક પ્રેરણાદાયી પહેલ સાબિત થશે.