ડીંડોલીમાં પાલિકાની ગંભીર બેદરકારી
1000 લોકોની વસ્તી કીચડમાં કેદ
એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ નથી
બાળકોને ખભે બેસાડી કીચડ ખૂંદતા માતા-પિતા
ખોદકામ કરી રસ્તા રામભરોસે છોડાયા
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી શિવ કૃપા નગર સોસાયટીની હાલત અત્યારે નર્ક સમાન બની ગઈ છે. મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની ઘોર બેદરકારીના કારણે અહીં વસતા સામાન્ય નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સુરત ડીંડોલીની શિવ કૃપા નગર સોસાયટીમાં રહેતા આશરે 1000 જેટલા લોકો આજે પાલિકાના પાપે નરક જેવી જિંદગી જીવવા મજબૂર બન્યા છે.આજથી 20 દિવસ પહેલાં આ સોસાયટીમાં ડ્રેનેજ લાઈન નાખવા માટે તંત્ર દ્વારા મોટું ખોદકામ કરવામાં આવ્યું હતું. ડ્રેનેજ લાઈનનું કામ તો પૂરું થઈ ગયું, પરંતુ કામ પૂરું થયા બાદ તંત્ર રોડ બનાવવાનું સાવ ભૂલી ગયું! અધૂરા છોડેલા ખોદકામને કારણે આખી સોસાયટીમાં અત્યારે માત્ર ને માત્ર કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
સૌથી વધુ માઠી અસર અહીંના નાના વિદ્યાર્થીઓ પર પડી રહી છે. કીચડ એટલો ભારે છે કે પગ મૂકતા જ માણસ ખૂંપી જાય. તેવામાં વિદ્યાર્થીઓ સ્કૂલે કઈ રીતે જાય? ત્યારે લાચાર માતા-પિતા પોતાના બાળકોના ભવિષ્ય માટે તેમને ખભા પર ઊંચકીને આ નર્ક જેવા રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે.
એટલું જ નહીં, નોકરી-ધંધે જતા લોકો પણ રોજેરોજ અહીં પરેશાન થઈ રહ્યા છે. સોસાયટીમાં આવવા-જવા માટેનો માત્ર એક જ રસ્તો છે અને તે પણ અત્યારે કીચડમાં ગરકાવ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જો સોસાયટીમાં કોઈ અચાનક બીમાર પડે, તો તેને હોસ્પિટલ લઈ જવો અશક્ય છે, કારણ કે આ રસ્તા પર એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ નથી!
