ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દૈનિક મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. GSRTC’એ એસટી. બસ પાસના દરમાં 50 ટકા સુધીનો મોટો ઘટાડો કર્યો છે. જેનો રાજ્યના લાખો મુસાફરોને સીધો લાભ મળ્યો છે.
સામાન્ય પરિવારોના માસિક બજેટમાં મુસાફરીનો ખર્ચ હંમેશાં ચિંતાનો વિષય રહ્યો છે. રોજિંદા પ્રવાસીઓ, શ્રમિકો અને વિદ્યાર્થીઓનો આ આર્થિક બોજ હળવો કરવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે (GSRTC) બસ પાસના દરમાં 50 ટકા સુધીનો મોટો ઘટાડો કર્યો છે. જેનો રાજ્યના લાખો દૈનિક મુસાફરોને સીધો લાભ મળ્યો છે. GSRTC દ્વારા લાગુ કરાયેલા નવા નિયમ મુજબ, હવે 30 દિવસના માસિક પાસ માટે 18 દિવસના બદલે માત્ર 15 દિવસનું જ ભાડું ચૂકવવું પડશે. આમ, દૈનિક મુસાફરો હવે અડધા ખર્ચે આખો મહિનો સફર કરી શકશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ ઉપરાંત, ત્રિમાસિક પાસ યોજના હેઠળ 90 દિવસની મુસાફરી માટે અગાઉના 54 દિવસને બદલે હવે માત્ર 45 દિવસનું જ ભાડું લેવાશે. રાજ્યભરમાં દરરોજ દોડતી 8,200થી વધુ એસટી. બસો થકી 27 લાખ નાગરિકો સસ્તી અને સલામત પરિવહન સેવાનો લાભ મેળવી રહ્યા છે. આ રાહત સામાન્ય પરિવારોનું જીવન સરળ બનાવવાની સાથે રાજ્યના જાહેર પરિવહન તંત્રને પણ વધુ સુદૃઢ કરશે.
