ગુજરાત : ધારી, કરજણ અને અબડાસાના ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

New Update
ગુજરાત : ધારી, કરજણ અને અબડાસાના ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી માત્ર કૉંગ્રેસ નહીં, ભાજપ માટે પણ પ્રતિષ્ઠાનો જંગ છે. કારણે કે કૉંગ્રેસે પોતાની આ તમામ 8 બેઠક સાચવવાની છે, તો ભાજપના નવા પ્રમુખ સી.આર.પાટીલ માટે પણ આ જંગ એક લિટમસ ટેસ્ટ છે, ત્યારે મંગળવારના રોજ રાજ્યમાં વિવિધ બેઠકોના ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રાજ્યમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ આઠેય બેઠક જીતવાનો દાવો કર્યો છે. ભાજપે પોતાનો દાવો સાચો પાડવાના પ્રયાસરૂપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 5 પક્ષપલટા ઉમેદવારને ટિકિટ પણ આપી છે. કોંગ્રેસ માટે આઠેય બેઠક પર જીત મેળવવી એ તેની આબરૂ બચાવવા જેવું છે. જેનું મુખ્ય કારણ છે કે, આ આઠેય બેઠક કોંગ્રેસના પ્રભુત્વવાળી છે, જેના પરથી કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપીને ભાજપમાં ગયા હતા. ભાજપે એમાંથી 5ને ટિકિટ પણ આપી છે. જેથી આ બેઠક જાળવીને ભાજપ પોતાના વિધાન સભ્યોની સંખ્યા વધારી શકે તેમ છે. આમ, ભાજપ માટે અહીં વકરો એટલો નફો છે, તો કોંગ્રેસ માટે આબરૂ જાળવવાનો પડકાર છે.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે 12:39 કલાકનું વિજય મુહૂર્ત સાચવ્યું હતું. જેમાં અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઉમેદવારી પત્ર ભરી પોતાની ઉમેદવારી નોંધાવી નલિયા ખાતે જાહેર સભાને સંબોધી હતી. તો અમરેલી જિલ્લાની વાત કરીએ તો, ધારી બેઠક પર ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયાએ પણ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં ભાજપ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સહકારી આગેવાન દિલિપ સંઘાણી, ડો. ભારત કાનાબાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લાની કરજણ બેઠક ઉપર વિધાનસભાની પેટાચૂંટણી માટેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે કરજણ બેઠકના ઉમેદવાર અક્ષય પટેલ દ્વારા સમર્થકોને સાથે રાખી પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. સાથે જ ઉમેદવાર અક્ષય પટેલે પણ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Latest Stories