/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/03222452/ahm-co.jpg)
સમગ્ર ગુજરાત રાજ્યમાં વધતા જતાં કોરોનાના પોઝિટિવ કેસ વચ્ચે દર્દીઓ માટે ઉપયોગી અને સારવારમાં લેવાતા રેમડેસિવીર ઇન્જેક્શનની અછતના અહેવાલોને આરોગ્ય વિભાગે પાયાવિહોણાં ગણાવ્યા છે. કોરોના મહામારી વચ્ચે રેમડેસિવીર ઇન્જેક્શનની અછતના સમાચારથી સરકાર સફાળી જાગી છે. રાજ્ય સરકારે ટાસ્ક ફોર્સ કમિટીએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી હતી. ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ જણાવ્યુ હતું કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવીના સીધા માર્ગદર્શન હેઠળ કોરોનાની સારવાર માટે વપરાતા ઈન્જેકશન તથા દવાઓનો પૂરતો જથ્થો રાજયમાં ઉપલબ્ધ થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવે છે. ઉપરાંત કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસીવિર ઇન્જેક્શનનો પુરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ છે, એટલે નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.
જોકે રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સ કમિટીએ લોકોને અપીલ સાથે જણાવ્યુ છે કે, ગુજરાતમાં કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવાતા મેડીકલ ઓક્સીજન, રેમડેસીવીર ઇન્જેક્શન, ફેવીપીરાવીર ટેબલેટ વિગેરેનો પુરતા પ્રમાણમાં જથ્થો સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા દવા બજારમાં ઉપલબ્ધ છે. એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે, દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી. ઉપરાંત તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ૨૮,૧૧૯ ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જે પૈકી અમદાવાદમાં ૯૨૨૩ ઇન્જેક્શન, વડોદરામાં ૭૭૪૬ ઇન્જેક્શન, સુરતમાં ૩૭૭૨ ઇન્જેક્શન, રાજકોટમાં ૩૫૦૪ ઇન્જેક્શન અને મહેસાણામાં ૧૪૪ ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યુ છે.