ગુજરાત સરકારના માહિતી ખાતામાં સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા રામસિંહ પઢિયાર 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતવાના અડગ સંકલ્પ સાથે સજ્જ બન્યા છે. 

ગુજરાત સરકારના માહિતી ખાતામાં સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા રામસિંહ પઢિયાર 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતવાના અડગ સંકલ્પ સાથે સજ્જ બન્યા છે. લોન્ગ જમ્પ અને હાઈ જમ્પમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે 23થી વધુ મેડલ મેળવી ચૂકેલા આ 33 વર્ષીય અધિકારી સરકારી સેવાની સાથોસાથ વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વહીવટી જવાબદારીઓની વચ્ચે રમતગમત ક્ષેત્રે અસાધારણ સિદ્ધિ હાંસલ કરનાર આ પેરા-એથ્લેટનું લક્ષ્ય વિશ્વ ફલક પર ત્રિરંગો લહેરાવવાનું છે.

ગાંધીનગર જૂના સચિવાલયમાં કાર્યરત રામસિંહ પઢિયાર નડિયાદ સ્થિત એસ.એ.જી. સ્પોર્ટ્સ સંકુલ ખાતે ઉચ્ચ સ્તરીય કઠોર પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. તેમણે 2023 એશિયન પેરા ગેમ્સમાં કાંસ્ય અને 2024 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું.

રાજ્ય સરકારની ‘શક્તિદૂત યોજના’, સી.ઓ.ઈ., ડી.એલ.એસ.એસ. અને ખેલ મહાકુંભ થકી ખેલાડીઓને આધુનિક માળખાગત સુવિધાઓ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળી રહી છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સના આયોજનની તૈયારીઓ વચ્ચે રાજ્યમાં પેરા-સ્પોર્ટ્સને પણ સર્વાંગી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

હાલ રામસિંહનું સંપૂર્ણ ધ્યાન 2026 એશિયન પેરા ગેમ્સ અને 2028 પેરાલિમ્પિક્સ પર કેન્દ્રિત છે. સરકારી ફરજ અને રમત પ્રત્યેના સમર્પણના ઉત્કૃષ્ટ સમન્વય સાથે તેઓ આગામી વૈશ્વિક સ્પર્ધાઓમાં દેશ માટે સુવર્ણ સફળતા અંકિત કરવા અથાક પરિશ્રમ કરી રહ્યા છે.