કેન્દ્ર સરકાર દ્વારા અધ્યાદેશ લાવી ત્રણ કૃષિ કાયદા ગઢવામાં આવ્યા છે જેનો પુરજોર વિરોધ ઉત્તર ભારતના કિસાનો કરી રહ્યા છે. દિલ્લીને ચોતરફથી ઘેરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતોના સમર્થનમાં ગુજરાતના ખેડૂતો પણ આવ્યા છે અને આંદોલનમાં જોડાવા દિલ્લી કુચ કરી છે.
કેન્દ્ર સરકારના નવા કૃષિ બિલનો વિરોધ ખેડૂતો કરી રહયા છે અને છેલ્લા 20 દિવસથી આ આંદોલન ચાલુ છે ત્યારે ગુજરાતમાંથી પણ ખેડૂતો હવે દિલ્હી પોહચી રહયા છે. કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ આંબલીયા અને ધારાસભ્ય હર્ષદ રીબડીયા પણ દિલ્હી પોહ્ચ્યા છે અને ખેડૂત આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો છે આ સિવાય રાજ્યમાંથી 500 જેટલા ખેડૂતો દિલ્હી પોહ્ચ્યા છે.
આંદોલનમાં ભાગ લેવા સોમવારે રાજ્યના 300 ખેડૂતો દિલ્હી પહોંચી ગયા હોવાનું કિસાન મોરચાએ સત્તાવાર રીતે જણાવ્યું હતું. મોરચાના સૂત્રોના કહ્યા પ્રમાણે મંગળવારે ગુજરાતમાંથી બીજા 200 ખેડૂતો દિલ્હી જશે,પણ કયાંથી અને કેવી રીતે જશે તે ગુજરાત પોલીસની ભીંસને કારણે જાહેર કરશે નહીં. તો કોંગ્રેસના નેતા પાલ આંબલીયા 2 દિવસથી દિલ્હીમાં છે અને અલગ અલગ સંગઠનો સાથે સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવી રહયા છે . પાલ આંબલિયાએ કહ્યું હતું કે, મારા સહિત 300 જેટલા ખેડૂતો ઉદેપુર થઇને દિલ્હી પહોંચી ગયા છીએ. અમે વાયા ઉદેપુર થઇને બસ અને કાર મારફત દિલ્હી પહોંચી રહ્યા છીએ. હજુ બુધવારે બીજા 200 ખેડૂતો ગુજરાતથી દિલ્હી આવવા રવાના થશે.
તો બીજીબાજુ આ આંદોલનને કોંગ્રેસનું સમર્થન હોઈ ધારસભ્ય હર્ષદ રીબડીયા પણ દિલ્હી પોહ્ચ્યા છે. હર્ષદ રિબડીયાએ ટ્રેકટર ચાલવી આ આંદોલને સમર્થન આપ્યું છે અને જ્યા સુધી કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગણી ના સ્વીકારે ત્યાં સુધી દરેક ખેડૂતોને આંદોલનમાં જોડાવા અપીલ કરી છે અને ગુજરાતમાં પણ આ આંદોલનને સમર્થન મળી રહયાનો દાવો ધારાસભ્યએ કર્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ કૃષિ બિલના વિરોધમાં ઉત્તર ભારત સહિતના દેશના વિવિધ પ્રાંતના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં ગુજરાતના ખેડૂતોએ સર્મથન જાહેર કર્યા બાદ ખેડૂતો આંદોલનમાં જોડાઇ નહીં તે માટે પોલીસે ભારે ધમપછાડા કરી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. છતા પોલીસને ચકમો આપીને સુરત શહેર સહિત ગુજરાતના ખેડૂતો દિલ્હી કૂચ કરીને આંદોલનમાં જોડાઇ ગયા છે.