કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર સ્થિત ગુજરાત યુનિવર્સિટીએ તમામ પરીક્ષાઓ મોકૂફ રાખી હતી, ત્યારે હવે કોવિડ-19ની ગાઈડલાઇનના પાલન સાથે આ પરીક્ષા લેવાની તારીખો ફરી જાહેર કરવામાં આવી છે.
રાજ્યભરમાં વકરેલા કોરોના વાયરસના કહેરના કારણે શાળા-કોલેજ સહિતની અનેક શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. જેના કારણે અમદાવાદ શહેર સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં લેવાતી તમામ પરીક્ષાઓ મોકૂફ રખાઇ હતી, ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પુનઃ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેવામાં કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીના રહેણાંક વિસ્તારની આજુબાજુમાં જ પરીક્ષા કેન્દ્ર મળે તેવું આયોજન સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 45 પરીક્ષા કેન્દ્રો પર UG અને PGના સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષા 2 તબક્કામાં યોજાશે, ત્યારે પ્રથમ તબક્કાની પરીક્ષા તા. 29મી ડિસેમ્બરથી શરૂ થશે, જ્યારે બીજા તબક્કાની પરીક્ષા તા. 7મી જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે.