આવતીકાલે તારીખ 3 નવેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભાની ધારી, અબડાસા, ગઢડા, લિંબડી, ડાંગ, કરજણ, કપરાડા અને મોરબીની કુલ 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે બંને પક્ષોએ દાવો કર્યો છે કે, તેમના દ્વારા આ બેઠકો ઊંચા માર્જીનથી જીતી લેવાશે.
તો બીજી તરફ ચૂંટણીને લઈને વહિવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને આવતીકાલે યોજાનારી ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં હાલ કોરોનાના કારણે સામાજીક અંતર જળવાઈ રહે તેમજ અન્ય નિયમોનું પાલન થાય તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. આ માટે પ્રિસાઈડીંગ ઓફિસર સહિત સ્ટાફને વિશેષ તાલીમ આપવામાં આવી છે અને દરેક બુથ પર કોઈપણ મુશ્કેલી વિના મતદાન થાય તે માટે પણ તંત્ર દ્વારા વિશેષ એક્શન પ્લાન બનાવાયો છે. વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને 8 બેઠકો પર ભાજપ કોંગ્રેસ સહિતના 81 ઉમેદવારો ચૂંટણીમાં ઉતર્યા છે, જેમાં સૌથી વધારે લિંબડી વિધાનસભા બેઠક પર 14 ઉમેદવારો છે. તો કપરાડાની બેઠક પર 4 ઉમેદવારો, મોરબી તેમજ ગઢડામાં 12-12, ધારીમાં 11 અને અબડાસામાં 10 અને કરજણ તેમજ ડાંગમાં 9-9 ઉમેદવારોએ ચૂંટણીમાં ઉતર્યા છે.