New Update
રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાડ બાદ રાજ્યનો શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અને તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાંભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને ભરૂચ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર શાળાઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી. કુલ 1393 શાળાઓની ચકાસણી દરમિયાન 151 શાળાઓ ફાયર એનઓસી ધરાવે છે જ્યારે 14 શાળાઓ ફાયર એનઓસી ન ધરાવતી હોવાનું બહાર આવ્યું હતું.
આ બાબતે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતી બા રાઓલે જણાવ્યું હતું કે જે શાળાઓના બિલ્ડીંગ 9 મીટરથી ઓછી ઊંચાઈવાળા હોય છે તે શાળાઓએ શાળામાં ફાયર સેફટીના બધા જ સાધનો ઉપલબ્ધ છે અને કાર્યરત હાલતમાં છે તે પ્રકારનું સેલ્ફ ડિકલેરેશન આપવાનું હોય છે . ભરૂચ જિલ્લાની 1072 શાળાઓએ આ પ્રકારનું સેલ્ફ ડિકલેરેશન આપ્યું છે જ્યારે 136 શાળાઓએ સેલ્ફ ડિકલેરેશન આપ્યું નથી. જે શાળાઓમાં ફાયર એનઓસી નથી કે જે શાળાઓએ સેલ્ફ ડિકલેરેશન આપ્યું નથી તે શાળાઓને સૂચના આપી અને સત્વરે ફાયર એનઓસી અંગે કાર્યવાહી કરવા અને ઓફિસમાં સેલ્ફ ડિકલેરેશન રજૂ કરવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે.