ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 48.62 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે રાજ્યના જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં વરસાદના જાહેર થયેલા આંકડા મુજબ સવારે 8 વાગ્યા થી 8 સુધીમાં 120 તાલુકામાં વરસાદ વરસી ગયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ભરુચના ઝઘડિયા તાલુકામાં નોંધાયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે બીજી તરફ ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ફુરજા ચાર રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ ભરુચના હાંસોટમાં 4 ઈંચ, વાલિયામાં 3.5 ઈંચ, ઝઘડિયામાં 3 ઇંચ, અંક્લેશ્વર-નેત્રંગમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. શહેરમાં વહેલી સવારે પડેલા વરસાદથી જળબંબાકાર ની પરિસ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા દૂકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાય જતાં લોકોને મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લામાં શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.