Connect Gujarat
ગુજરાત

મિત્રને બચાવવા જતાં મિત્રએ જીવ ખોયો: પંચમહાલ હાલોલ નર્મદા કેનાલમાં બની ઘટના

મિત્રને બચાવવા જતાં મિત્રએ જીવ ખોયો: પંચમહાલ હાલોલ નર્મદા કેનાલમાં બની ઘટના
X

પાવાગઢ જવા નીકળેલા પારુલ યુની.ના બે વિદ્યાર્થીઓ કેનાલમાં ડૂબ્યા એક બચ્યો એકનું મોત, હાલોલ નજીક નહેરમાંથી યુવકનો મૃતદેહ મળ્યો.

વડોદરા જિલ્લાના વાઘોડિયાની પારુલ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા આંધ્રપ્રદેશના કર્નલ જિલ્લાના પાંચ યુવકો ગઈકાલે સવારે મોટરસાયકલ લઈ પાવાગઢ જવા માટે નીકળ્યા હતા. જે પૈકી બે યુવકો હાલોલ નજીક સમધરપુરા નર્મદાની મુખ્ય નહેરમાં ડૂબ્યા હતા. જેમાં એક યુવક બચી ગયો હતો, જ્યારે ડૂબી ગયેલા એક યુવકની ફાયર ટીમે શોધખોળ આરંભી હતી.

સાંજ સુધી ડૂબી ગયેલા યુવકનો પતો ન લાગતા આજે સવારે ફરી એક વખત યુવકની શોધખોળ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હાલોલ રૂરલ પોલીસે એડી નોંધી તપાસ હાથ ધરી છે. તો યુવકના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ પીએમ માટે લાવવામાં આવ્યો છે. વડોદરા પારુલ યુનિવર્સિટીમાં રહેતા અને અભ્યાસ કરતા પાંચ યુવકો ગઈકાલે સવારે ત્રણ મોટરસાયકલો લઈ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરવા અને ફરવા માટે નીકળ્યા હતા. તમામ યુવકો હાલોલ નજીક સમધરપુરા પાસેની નર્મદાની નહેર પાસે રોકાયા હતા અને એક 20 વર્ષીય યુવક વરુણ ઈશ્વરઐયા મુતુરુલી કે જે પારુલ યુની.માં કોમ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે તે નહેરમાં હાથ ધોવા માટે ઉતર્યો હતો. જેનો પગ લપસી જતા તે નહેરના પાણીમાં ડૂબ્યો હતો, જેને બચાવવા અન્ય એક 19 વર્ષીય ચરનતેજા નાગરાજુ કટેપગુ જે બીએ પોલિટિક્લ સાયન્સનો અભ્યાસ કરી રહ્યો હતો. તે ડૂબી રહેલા તેના મિત્ર વરુણને બચાવવા નહેરમાં કુદ્યો હતો અને તે પણ નહેરના પાણીમાં લાપતા થયો હતો.

સદનસીબે પહેલા ડૂબેલો યુવક વરુણ કિનારે આવી જતા બચી ગયો હતો, પરંતુ તેને બચાવવા નહેરમાં કુદેલો ચરનતેજા નહેરના પાણીમાં લાપતા થયો હતો. કિનારે ઉભેલા અન્ય ત્રણ યુવકો અને વરુણ ઘભરાયા હતા. બુમાબુમ કરતા પસાર થતા લોકો ઉભા રહ્યા હતા અને હાલોલ રૂરલ પોલીસને જાણ કરતા હાલોલ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ડૂબેલા યુવકની સાંજ સુધી શોધખોળ કરી હતી, પરંતુ યુવકનો કોઈ જ પતો લાગ્યો ન હતો.આજે સવારે યુવકની શોધખોળ કેનાલમાં કરવામાં આવતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. અકસ્માતની જાણ તેના પરિવારજનોને થઈ ગઈ હોવાથી તેના પરિવારજનો પણ પારુલ યુની. ખાતે દોડી આવ્યા હતા. આજે મૃતદેહ મળતા યુની.ની ગાડી તેના પરિવારજનો અને સાથે અભ્યાસ કરતા યુવકોને લઈ ઘટનાસ્થળે અને હાલોલ રેફરલ હોસ્પિટલ પહોંચી હતી.

Next Story