યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.રાત્રિના સમયે ડુંગર પર આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પાવાગઢ ડુંગર પર ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ગત રાત્રે 100 થાંભલા મહેલ નજીકના જંગલ વિસ્તારમાં વિકરાળ આગ લાગી હતી.આગ લાગવાને કારણે સૂક્કા વૃક્ષ અને ઘાસ આગની લપેટમાં આવતા આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.
જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.મહત્વનું છે કે, જે જગ્યાએ આગ લાગી હતી ત્યાં દીપડા સહિત જંગલી પ્રાણીઓ પણ વસે છે. એકલા ત્યાં જઈ શકાય તેમ નહોતું. જેથી અંધારામાં ત્યાં કેમનું જવું તે સ્થાનિકો માટે મોટા પ્રશ્ન હોવાથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે સાથે વનવિભાગને આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને બાદમાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી..