ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રક્રિયા માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ચુક્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ઘણી બેઠકો માટે તેમના ઉમેદવારો જાહેર કર્યા છે. જો કે, ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી કોઈપણ સીટ પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. હવે, ભાજપના ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં બેઠક થવા જઈ રહી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દરેક બેઠક પર ઉમેદવારોની પસંદગી કરવા માટે 9 અને 10 નવેમ્બરે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય પર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાના છે. 9મી તારીખે સાંજે 6:30 કલાકે શરુ થનારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, અમિત શાહ, જે. પી. નડ્ડા સહિતના નેતાઓ હાજર રહેશે. મહત્વનું છે કે, ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. ત્યારે ભાજપ દ્વારા 10 નવેમ્બર બાદ તરત જ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે.