રાજ્યમાં ચાર દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના મતે 15 નવેમ્બર બાદ 19 ડિગ્રીથી નીચે ઠંડીનો પારો ગગડશે. દાહોદ, ગાંધીનગર,અમરેલી, વડોદરામાં ઠંડીનો અનુભવ થશે.
આગામી ચાર દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઠંડીનો ચમકારો વધતા રાજ્યમાં ગરમીથી પણ રાહત મળે તેવી શક્યતા છે. આગામી 15 નવેમ્બરથી 20 નવેમ્બરની વચ્ચે લઘુતમ તાપમાનનો પારો 16થી 20 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેથી રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે.
રવિવારે અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 2.1 ડિગ્રીનો જ્યારે રવિવારે રાત્રે 21 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 2.9 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આ સિવાય ભાવનગરમાં 34.6 ડિગ્રી, વડોદરામાં 35 ડિગ્રી, સુરત અને અમરેલીમાં 35.2 ડિગ્રી, ગાંધીનગરમાં 35.8 ડિગ્રી, ડીસામાં 36.9 ડિગ્રી, ભુજમાં 37.1 ડિગ્રી, રાજકોટમાં 37.9 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતુ. જ્યારે દાહોદમાં 16.6 ડિગ્રી, ગાંધઈનગરમાં 19.4 ડિગ્રી, વડોદરામાં 19.6 ડિગ્રી તો અમરેલીમાં 20 ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન નોંધાતા ઠંડીનો અનુભવ થયો હતો.