અમદાવાદ : દાલોદના સિંધવ પરિવારે દૂધ અને દાડમનો “કોમ્બો” અને આવક થઈ “જમ્બો” સૂત્રને સાર્થક કર્યું..!
દાલોદના સિંધવ પરિવારે ખેતી અને પશુપાલનમાં ચીલો ચીતર્યો
બાગાયતી ખેતી સહિત પશુપાલન થકી પરિવાર લખપતિ બન્યો
વર્ષે લાખોની આવક રળતો પરિવાર અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત
અમદાવાદના માંડલ તાલુકાના દાલોદ ગામનો એક ખેડૂત પરિવાર બાગાયતી ખેતી અને પશુપાલનની મદદથી લખપતિ બન્યો છે. વર્ષે લાખોની આવક રળતું આ પરિવાર અન્ય ખેડૂત-પશુપાલકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે.
આ ડેરી ફાર્મ છે અમદાવાદના માંડલ તાલુકાના દાલોદ ગામે આવેલ સિંધવ પરિવારનું, જ્યાં 3 ભાઈઓ સંયુક્ત પરિવારમાં 25 સભ્યો સાથે રહીને ખેતી અને પશુપાલન કરી રોજી-રોટી રળતા હતા. તેવામાં કુટુંબના મોભીને સરકારની "દૂધાળા પશુ ડેરીફાર્મ સ્થાપના સહાય" વિશે જાણ થઈ. તેમણે આ યોજનાનો લાભ લઈને ગીર ગાયની ખરીદી કરી ડેરી ફાર્મ શરૂ કર્યું હતું. હાલ આ ફાર્મમાં 25 ગાય છે, જેના થકી આ પરિવાર દર મહિને રૂ. 1 લાખથી વધુની આવક મેળવે છે. એટલું જ નહીં, સિંધવ પરિવાર બાગાયત ખાતાના માર્ગદર્શનમાં દાડમની પણ ખેતી કરે છે. જેમાંથી આ વર્ષે રૂ. 6 લાખની આવક થાય છે.
સિંધવ પરિવારના સભ્ય હંસા સિંઘવ પશુપાલનના મહત્વ અને ફાયદા જણાવતાં કહ્યું હતું કે, એક સમયે ગીરીબીનો સામનો કરતું અમારુ ઘર આજે 2 નહીં પણ 12 પાંદડે થયું છે. તેના પાયામાં પશુપાલન અને બાગાયતા ખેતી છે. આમ, દૂધ અને દાડમનો “કોમ્બો” અને આવક થઈ “જમ્બો” આ વાક્યને સિંધવ પરિવારે સાર્થક કર્યું છે. જો સંયુક્ત પરિવાર સહિયારા પ્રયાસો કરે તો સમૃદ્ધિ દૂર નથી, તે આ પરિવારે પુરવાર કર્યું છે.