Connect Gujarat
ગુજરાત

ઉનાળાના આરંભે અમરેલી-ગીદરડીવાસીઓના પાણી માટે વલખાં, ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી...

સમગ્ર ગીદરડી ગામ પીવાના પાણીના એક બેડા માટે હેરાન પરેશાન થઈ રહ્યું છે.

X

ઉનાળાના આરંભ થતાં જ ગીદરડીવાસીઓને હાલાકી

પીવાનું પાણી નહીં મળતા લોકોના પાણી માટે વલખાં

પાણી નહીં મળતા ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

ચૂંટણી બહિષ્કારની ચિમકીથી વહીવટી તંત્ર દોડતું થયું

પીવાના પાણીની સમસ્યાના નિકાલ માટે તંત્રની બાંહેધરી

ઉનાળાના આરંભે જ અમરેલી જિલ્લાના ખાંભા-ગીરના છેવાડાના ગામડાઓમાં પીવાના પાણીનો પોકાર ઉઠ્યો છે. 2 હજારની વસ્તી ધરાવતા ગીદરડી ગામમાં લોકોને પીવાનું પાણી નહીં મળતા હવે લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

અમરેલી જિલ્લાના ખાંભા-ગીરના ગીદરડી ગામની વસ્તી 2 હજારની છે, પણ ગીદરડી વાસીઓની કરમની કઠણાઈ એ છે કે, ગામ સુધી નર્મદાની પાઈલલાઇન પથરાઈ ગઈ છે, પરંતુ છેલ્લા 10થી 12 વર્ષ વીતી ગયા હોવા છતાં આજદિન સુધી એકવાર પણ ગીદરડી ગામને પીવાનું પાણી મળ્યું નથી. એક માત્ર કૂવો પણ અત્યારે ખાલી થઈને છેલું પાણી ડોકિયું કરી રહ્યો છે. તેવામાં ગામજનોને પાણી માટે વાડીમાં ભટકવું પડે છે. સમગ્ર ગીદરડી ગામ પીવાના પાણીના એક બેડા માટે હેરાન પરેશાન થઈ રહ્યું છે.

ગીદરડી ગામમાં આવેલા એકમાત્ર અવેડા પર પશુઓ પાણી માટે ટળવળે છે. છેલ્લા 15 દિવસથી એકધારી મોટર શરૂ રાખી હોવા છતાં ડચકે ડચકે પાણી આવે છે, જેનાથી પશુઓની તૃષા માંડ છીપાઇ છે. તો મહિલાઓ માંડ માંડ પીવાનું પાણી મળતું હોય ત્યાં ડોહળા પાણીથી કપડા ધોવા મજબૂર બની છે, જયારે બળદ ગાડા અને ટ્રેકટરમાં ગામની વાડી ખેતરોમાં જઈને પીવાનું પાણી ભરવાની મજબૂરી ગીદરડીવાસીઓ માટે રોજની થઈ ગઈ છે.

જોકે, ગીદરડીના ગામજનો પોતાના કામધંધા બંધ રાખી સવારથી જ પાણી માટે વલખાં મારી રહ્યા છે. તો બીજી તરફ, લાઈટ પણ ન હોય ત્યારે ગીદરડી વાસીઓ હેરાન પરેશાન વધુ થાય છે. માલઢોરોને પીવાનું પાણી મળવું મુશ્કેલ થયું છે, અને નર્મદાનું પાણી ન આવવાથી હાલ વિકટ સ્થિતિનો સામનો ગીદરડીમાં જોવા મળી રહ્યો છે. એક ડંકી પર આખું ગામ પીવાના પાણી મેળવવા માટે લાઇન લગાવે છે, ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણી માથે હોય ને પીવાના પાણીની મજબૂરીથી સરપંચે લોકસભાની ચૂંટણીના મતદાનનો બહિષ્કાર કરતો પત્ર મામલતદાર સહિતના સતાધીશોને આપ્યો છે.

છેલ્લા 10-12 વર્ષથી નર્મદાના પીવાના પાણીની પાઇપ લાઇન નાખી દીધી છતાં છેલ્લા 5 મહિનાથી પીવાના પાણી માટેની રજુઆત સરપંચ દ્વારા કરવામાં આવી છે. પરંતુ અહી તંત્રના બાબુઓ કે, નેતાઓ ધૂતરાષ્ટ્ની ભૂમિકાઓ ભજવતા જોવા મળી રહ્યા છે. પરંતુ ચૂંટણી બહિષ્કારના પત્ર બાદ મામલતદાર દ્વારા પીવાના પાણીનું નિરાકરણ લાવવા ગીદરડીવાસીઓને નિરાકરણની ખાત્રી આપવામાં આવી છે.

Next Story