ખાનગી શાળાઓને ટક્કર આપતી સરકારી શાળા
ઈશ્વરીયા પ્રાથમિક શાળા બની પ્રેરણાસ્ત્રોત
વાલીઓની પહેલી પસંદ પ્રાથમિક શાળા
સંયુક્ત પ્રયાસથી ઊભું થયેલું શિક્ષણનું આદર્શ મોડેલ
એક સપનાનું વાસ્તવિક રૂપ ઇશ્વરીયાની સરકારી શાળા
અમરેલી જિલ્લાના ઇશ્વરીયા ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ અપડાઉન કરીને ભણવા માટે આવે છે,પ્રધાનમંત્રી મોદીના સ્વપ્નને ખરા અર્થમાં સાકાર કરતી આ પ્રાથમિક શાળા તમામ આધુનિક સુખ સુવિધાઓ સાથેના શિક્ષણરૂપી સંસ્કારોનું સિંચન કરતી સરકારી શાળા છે. જે અન્ય શાળાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
અમરેલી જિલ્લાના ઇશ્વરીયા ગામની પ્રાથમિક શાળા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાના ઈશ્વરીયા ગામમાં આવી છે.આ ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી સરકારી પ્રાથમિક શાળા છે. અમરેલી જિલ્લાના ઈશ્વરીયા ગામની પ્રાથમિક શાળા એટલે એક શ્રેષ્ઠ સરકારી શાળાનો આદર્શ મોડેલ શાળા તરીકે જિલ્લાભરમાં પ્રચલિત બની છે. જિલ્લાની અંદર આવેલ ઈશ્વરીયા ગામની પ્રાથમિક શાળાએ આજે સમગ્ર જિલ્લામાં અનોખી ઓળખ મેળવી છે.
સામાન્ય રીતે સરકારી શાળાઓ અંગે લોકોની માન્યતા રહી છે કે ત્યાં અભ્યાસનું સ્તર નબળું હોય છે, સુવિધાઓ ઓછી હોય છે અને બાળકોને યોગ્ય માર્ગદર્શન મળતું નથી. પરંતુ ઈશ્વરીયા ગામની આ પ્રાથમિક શાળાએ તમામ માન્યતાને ખોટી સાબિત કરી દીધી છે. આજે આ શાળા માત્ર ઈશ્વરીયા ગામ જ નહીં, પરંતુ અમરેલી શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. આ વાત એનો પુરાવો છે કે સરકારી શાળાઓ પણ યોગ્ય પ્રયત્ન, સંચાલન અને શિક્ષકોના શ્રેષ્ઠ કાર્યથી ખાનગી શાળાઓને ટક્કર આપી શકે છે .
શિક્ષકોની પ્રતિબદ્ધતા અને સકારાત્મક અભિગમ આ શાળાની સફળતાનું મુખ્ય કારણ છે. અહીં શિક્ષકો માત્ર પાઠ્યક્રમ પૂરતો જ શિક્ષણ આપતા નથી પરંતુ બાળકોના આંતરિક ગુણો, તેમની કળા, રમતગમતમાં રસ અને ટેકનોલોજીનો ઉપયોગ શીખવાડીને સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે. અભ્યાસ સાથે બાળકોને વિવિધ સ્પર્ધાઓમાં પણ ભાગ લેવડાવવામાં આવે છે.જેથી તેઓ આગળના જીવનમાં આત્મવિશ્વાસપૂર્વક પ્રગતિ કરી શકે.
સરકારી શાળા હોવા છતાં ઈશ્વરીયા પ્રાથમિક શાળામાં આધુનિક શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં કોમ્પ્યુટર લેબ, પ્રોજેક્ટર આધારિત શિક્ષણ, સ્માર્ટ કલાસરૂમ અને ટેબલેટ દ્વારા શીખવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે. સાથે જ સંગીત અને રમતગમત જેવી પ્રવૃત્તિઓને પણ મહત્વ આપવામાં આવે છે. બાળકો માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં રાજ્યકક્ષાએ નંબર મેળવે છે.
ઈશ્વરીયા પ્રાથમિક શાળાના આચાર્ય પરેશ ગાંગડીયાએ જણાવ્યું કે દર વર્ષે આ શાળામાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ભારે માંગ રહે છે. શાળાની અંદર હાલ 400 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી આશરે 325 વિદ્યાર્થીઓ અમરેલી શહેર અને આસપાસના વિસ્તારમાંથી આવે છે. આથી સાબિત થાય છે કે શાળાની લોકપ્રિયતા ગામની સીમાઓને પાર કરીને સમગ્ર જિલ્લામાં પ્રસરી ગઈ છે.
ઈશ્વરીયા ગામની આ શાળાની લોકપ્રિયતા પાછળ ગામના લોકો અને વાલીઓનો સહયોગ પણ મહત્વપૂર્ણ છે. ગામના આગેવાનો, વાલીઓ અને ગ્રામજનો શિક્ષકો સાથે મળીને શાળાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. શાળાના કાર્યક્રમો, ઉત્સવો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ગ્રામજનોની સક્રિય હાજરી રહે છે. આ કારણે શાળા ગામના સમાજ જીવનનો અગત્યનો ભાગ બની ગઈ છે.