વલસાડ જિલ્લાના વાપી રેલ્વે સ્ટેશન નજીક અજાણ્યા ટીખળખોરે સિમેન્ટનો પોલ રેલ્વે ટ્રેક પર મુકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરતાં રેલ્વે વિભાગ દોડતું થયું હતું.
વલસાડ જિલ્લાના વાપી રેલ્વે સ્ટેશન નજીક ગત મોડી રાત્રે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી. જેમાં કોઈ ટીખળખોરે સિમેન્ટનો પોલ રેલ્વે ટ્રેક પર મુકી ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમય સુચકતાથી આ અંગે રેલ્વે વિભાગને જાણ થતાં જ તાત્કાલિક ટીમો સ્થળ પર પહોંચી હતી, અને ટ્રેક પર રહેલા સિમેન્ટના પોલને ટ્રેક પરથી દૂર કર્યો હતો. કોઈ ટ્રેન પહોંચે તે પહેલા જ ટ્રેક પરથી પોલ દૂર કરી દેવામાં રેલ્વે વિભાગને સફળતા મળી હતી.
આજે વહેલી સવાથી જ રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ પોલ રેલ્વે ટ્રેક પણ કોણે મુક્યો ? અને શું ઈરાદાથી આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું.! તે અંગે પણ રેલ્વે પોલીસ સહિતની એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળ પર પહોચી સંબંધીત વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા. અગાઉ પણ વલસાડ જિલ્લામાં રેલ્વે ટ્રેક પર આ રીતે આડસો મુકીને ટ્રેન ઉથલાવી મારવા નિષ્ફળ પ્રયાસોની ઘટના સામે આવી ચૂકી છે. જોકે, સદનસીબે અગાઉની ઘટનાઓમાં પણ સમય સૂચકતાથી આવી આડસો અંગે જાણ થતા રેલ્વે વિભાગને આવા કાવતરાઓને નિષ્ફળ કરવામાં સફળતા મળી હતી, ત્યારે ફરી એકવાર બનેલી ઘટનાને ગંભીતાથી લઈ રેલ્વે વિભાગની ટીમોએ હવે આ મામલે તપાસ હાથ ધરી છે.