/connect-gujarat/media/post_banners/358e39097d68959a9d0c9a66f37cd72141a3285555d8a5c161f64b767abe0fff.jpg)
અરવલ્લી જીલ્લા સેવાસદન કચેરી ખાતે જાણે જાદુગરનો શો ચાલતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. છેલ્લા 5 વર્ષથી સફાઈ કર્મીઓને લઘુત્તમ વેતન ચૂકવવામાં નહીં આવતા ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખે હાથ પર આગના ડામ દઈ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં આવેલ જીલ્લા સેવાસદન કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા 5 વર્ષથી ખાનગી એજન્સી દ્વારા લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું ન હોવાથી સફાઈ કામદારોએ ગુજરાત વાલ્મિકી સંગઠનના નેજા હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સફાઈ કર્મીઓને લઘુત્તમ વેતનમાં એજન્સી અન્યાય કરતી હોવાના આક્ષેપ અને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા સેવાસદન કચેરીને ગજવી મુકી હતી.
જોકે, અરવલ્લી જીલ્લા સેવાસદનના સફાઈ કર્મીઓનો પગાર વધારો અને લઘુત્તમ વેતનની ચુકવણી નહીં કરાતા સફાઈ કર્મીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ અંગે તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં એજન્સી પગાર વધારો ન કરતા ગુજરાત વાલ્મિકી સમાજના પ્રમુખ લાલજી ભગત અને સફાઈ કર્મીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.
ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે હાથ પર આગના ડામ દઈ અનોખી રીતે વિરોધ કરી સફાઈ કર્મીઓને એજન્સી દ્વારા ખાનગી લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે, પાલિકા કચેરીમાં જ અનોખી રીતે વિરોધ દર્શાવતા કેટલાક અરજદારોએ જાણે જાદુગરનો શો જોતા હોય તેવો અહેસાસ અનુભવ્યો હતો.