/connect-gujarat/media/post_banners/5d4736bc7a75a3ce295abf46959dd0677ab7f4c0cc2c4ce8fc9718a66d7e5bd5.jpg)
આજે દીકરાઓની સમકક્ષ દીકરીઓએ સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. દીકરીઓને પ્રોત્સાહિત કરાતા દીકરીઓએ નવી ઊંચાઈ આંબી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગઢા ગામની તન્વી પરિવારમાં દિકરાની જવાબદારી નિભાવે છે. માતા-પિતા, બહેનને ભાઈ ન હોવાનો અહેસાસ ક્યારે થવા નથી દીધો, જે ખેતીથી માંડી દરેક ક્ષેત્રે દિકરાને શરમાવે તેવું કાર્ય કરે છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગઢા ગામની તન્વી પટેલે દિકરી એટલે સાપનો ભારો કહેવતને ખોટી પાડી છે, અને દિકરી એટલે તુલસીનો ક્યારો એ કહેવતને સાચી સાબિત કરી છે. કોઈપણ પરીવારમાં જ્યારે એક દિકરી દિકરા તરીકેની સંપૂર્ણ જવાબદારી નિભાવતી હોય છે, ત્યારે સાચા અર્થમાં દિકરી પણ પરીવારની કુળદિપક બની શકે છે. તે સમગ્ર સમાજને તન્વી પટેલે બતાવ્યું છે. તન્વી પટેલ હાલ એમ.એલ.ટી.નો અભ્યાસ કરી ખાનગી નોકરી કરે છે, પણ હાલ મગફળીની વાવાણીની કામગીરી ચાલે છે, ત્યારે પિતાની મદદ માટે ઘરે આવી ગઈ છે. તન્વી ખેતીનું કોઈપણ કામ કરવાની ક્ષમતા ધરાવે છે.
જોકે, બાળપણથી જ તન્વી પોતાના પરીવાર સાથે ખેતર સહિતના કામમાં મદદ કરવા લાગી હતી. અને જેમ દિકરો બાપનો સાથી બની કામ કરતો હોય છે, તે રીતે તન્વી પણ દિવસ રાત ઠંડી, ગરમી કે, વરસાદ જોયા વગર તેના પિતા સાથે ખેતરમાં ટ્રેક્ટર લઈને ખેતી કામ કરવા અડીખમ ઉભી રહે છે. પરીવારમાં દિકરાના ખભા પર આવતી તમામ જવાબદારીઓને તન્વિએ સંપૂર્ણપણે સ્વિકારીને દિલથી દરેક કાર્યોને હિંમતપૂર્વક પાર પાડી દરેક સમાજની દિકરીઓને એક સંદેશ આપ્યો છે કે, દિકરી પણ દિકરા સમોવડી બની શકે છે.