Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : કમોસમી વરસાદે વિનાશ વેરતા ખેડૂતો-પશુપાલકોને નુકશાની, વીજળી પડતાં 16 બકરાના મોત...

અરવલ્લી જિલ્લામાં વીજળી પડવાની પણ અનેક ઘટનાઓ ઘટી હતી. જેને લઇને ક્યાંક આગ લાગી હતી, તો ક્યાંક ઘરોને નુકસાન થયું છે

X

વિવિધ વિસ્તારોમાં વરસ્યો હતો ભારે કમોસમી વરસાદ

વરસાદ સાથે વીજળી પડતાં 16 જેટલા બકરાના મોત

ખેડૂતો - પશુપાલકોને આવ્યો નુકશાની વેઠવાનો વારો

અરવલ્લી જિલ્લામાં માવઠાએ વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેડૂતો, સામાન્ય લોકો તેમજ પશુપાલકોને પણ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખલીકપુર પંથકમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું. સારા ઉત્પાદનની આશા સાથે ખેડૂતોએ 30 વીઘામાં ડાંગર વાવી હતી. જોકે, માવઠાએ ડાંગર પર માવઠાનો માર આપતા ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.

જેને લઇને હવે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે. જિલ્લામાં વીજળી પડવાની પણ અનેક ઘટનાઓ ઘટી હતી. જેને લઇને ક્યાંક આગ લાગી હતી, તો ક્યાંક ઘરોને નુકસાન થયું છે. મેઘરજ તાલુકાના જીતપુર-ખાખરીયા ગામે વીજળી પડી હતી. જેમાં ખેતરમાં રહેલા મકાઈનો સૂકો ચારો બળીને ખાક થઈ ગયો હતો. વીજળી પડતાની સાથે જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

તો બીજી તરફ, મોડાસા તાલુકાના મઠ ગામની સીમના ખેતરમાં ચારો ચારતા 16 જેટલા બકરા ઉપર વીજળી પડતા મોત નિપજ્યાં છે. સમગ્ર ઘટનાને લઇને પશુપાલકો ઉપર જાણે આભ ફાટ્યું હોય એવો ઘાટ સર્જાયો છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. જોકે, માવઠાના કારણે ખેડૂતો અને પશુપાલકોને નુકશાન થયું છે. મોડાસાની કુમકુમપાર્ક સોસાયટીના રહીશના મકાન પર વીજળી પડતા મકાનને નુકસાન થયું છે. મકાનની પેરાફીટ પરથી વીજળી ઘરમાં ઉતરી હતી, જેને લઇને મોટાભાગના વીજ ઉપકરણોમાં નુકશાન થયું છે

Next Story