Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: તામિલનાડુની ભૂલી પડેલી મહિલાનું 13 વર્ષ બાદ પરિવારના એકમાત્ર દીકરા સાથે મિલન, લાગણી સભર દ્રશ્યો સર્જાયા

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરને વધુ એક સફળતા મળી છે.

X

તામિલનાડુની ભૂલી પડેલી મહિલાનું 13 વર્ષ બાદ પરિવારના એકમાત્ર દીકરા સાથે મિલન થતાં પુત્રની આંખો ભીંજાઈ ગઈ.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરને વધુ એક સફળતા મળી છે અને પુત્રનું માતા સાથે મિલન કરાવ્યું છે. 39 દિવસ પહેલા મોડાસાના ઝાલોદર નજીકથી એક મહિલા મળી આવી હતી, જેને અભયમની ટીમે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડતા જરૂરિયાતની કીટ તથા કપડા આપી મેડિકલ ચેક અપ કરાવી હતી.

મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, જોકે મહિલા જે ભાષા બોલતા હતા, તે સમજણ ન પડતા કાગળ પર લખાવતા તામિલ ભાષા જણાઈ આવી હતી. તામિલ ભાષાના જાણકારને સખી વન સ્ટોપ સેન્ટર પર બોલાવી કાઉન્સિલિંગ કરવામાં આવતા મહિલા કન્યાકુમારીના આજુબાજુના ગામડાઓના નામ જણાવતા ત્યાંના પોલીસ સ્ટેશન તેમજ કન્યાકુમારીના સખીવન સ્ટોપ સેન્ટરના નોડલ અધિકારી સાથે વાત કરવામાં આવી હતી.

આ સાથે જ આસપાસના ગામડાઓની માહિતી મળી આવતા મહિલા કન્યાકુમારીના થાઝાકુડી ગામના હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારબાદ વીડિઓ કોન્ફરન્સથી તેમના પુત્ર સાથે વાત કરાવતા પુત્રની આંખો હર્ષના આસુથી ભિંજાઈ ગઈ હતી. મહિલાનો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોવાથી તેમને વધુ દિવસ સેન્ટરમાં રાખવા જણાવેલ હતું, જેથી પૈસાની સગવડ થતાં જ સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી ખાતે મહિલાનો દીકરો લેવા માટે આવતા માતા અને પુત્રનું 13 વર્ષ પછી મિલન થયું હતુ.

Next Story