અરવલ્લી જિલ્લાના ભિલોડાની આર જે તન્ના પ્રેરણા સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતાં 17 વર્ષીય વિદ્યાર્થી દીપક ગુણાવતનો ગત શનિવારે ઇન્દ્રાસી જળાશયમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને સમાજના લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. જેના પગલે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ભિલોડામાં વિશાળ રેલી કાઢી વિદ્યાર્થીના મોત અંગે પોલીસ સ્ટેશન પહોંચી ન્યાયની માગણી કરી હતી.
વિદ્યાર્થીના મોત અંગે શાળામાં ફરજ બજાવતા શિક્ષક કેડી ભુધરાને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ભિલોડા પોલીસ મથકે રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મૃતક વિદ્યાર્થી જ્યારે ધો. 11માં અભ્યાસ કરતો હતો, ત્યારથી જ શિક્ષક કેડી ભુધરા તેને ત્રાસ આપતા હતા. અને ગત શુક્રવારે પણ આ વિદ્યાર્થીને શિક્ષકે અપમાનિત કર્યો હોવાનો અને વગર વાંકે તેને ટોર્ચર કરવામાં આવતા ધો. 12ના સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દીપકે આપઘાત કર્યો હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ વિદ્યાર્થીઓએ શિક્ષક કેડી ભુધરાને ફરજ મુક્ત કરવાની માંગ સાથે ન્યાયિક તપાસની માંગ કરી છે.