PM નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલા ટ્વીટ બદલ ગુજરાતના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામની કોર્ટે જામીન આપ્યા છે. પરંતુ હવે જિગ્નેશ મેવાણી વિરુદ્ધ બીજી FIR નોંધાતા ફરી તેઓની ધરપકડની શક્યતા વધી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે ગત બુધવારે ગુજરાતના પાલનપુર શહેરમાંથી જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી. આસામના બીજેપી નેતા અરૂપ કુમાર ડે દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ જિગ્નેશ મેવાણી વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
આસામ પોલીસ દ્વારા મેવાણી વિરુદ્ધ ગુનાહિત કાવતરું, બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું, શાંતિ ભંગ કરવા માટે ઇરાદાપૂર્વક અપમાન અને IT એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આસામના કોકરાઝાર કોર્ટે રવિવારે ગુજરાતના સ્વતંત્ર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતાં. ત્યારબાદ આજે જીગ્નેશ મેવાણીને પુનઃ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં, જ્યાં દલીલ પૂર્ણ થયા બાદ કોર્ટે જિગ્નેશ મેવાણીના જામીન મંજૂર કર્યા છે. પરંતુ હવે તેઓ વિરુદ્ધ બીજી FIR થતાં આસામ પોલીસ ફરીવાર જિગ્નેશ મેવાણીની ધરપકડ કરે તેવી શક્યતા વર્તાય રહી છે.