ભરૂચના બોરભાઠા બેટ ગામ સ્થિત તપોવન આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 10 દિવસીય પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આજે પરિષદ શિક્ષા વર્ગનો અંતિમ દિવસ હતો. આ પ્રસંગે VHPના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. VHP દ્વારા તપોવન આશ્રમ ખાતે તા. 2 જૂનથી 12 જૂન સુધી પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિક્ષા વર્ગમાં સમગ્ર રાજ્યમાંથી 140 જેટલા સભ્યોએ લાભ લીધો હતો, અને 20 જેટલા શિક્ષકોએ વર્ગનું સંચાલન કર્યું હતું, ત્યારે આજરોજ શિક્ષા વર્ગના અંતિમ દિવસે VHPના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે, VHPએ પોતાના એજન્ડા સાથે કામ કરી રહ્યું છે. દેશના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી તેમાં કાયદાકીય રીતે કેવી રીતે લડત આપી શકાય તે માટે પણ VHP કાર્ય કરી રહ્યું છે.
દેશમાં હાલના સળગતા પ્રશ્ન નુપુર શર્મા મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે, જુમ્માની નમાઝ બાદ દેશમાં જે સ્થિતિનું નિર્માણ થયું, અને જે રીતે નુકશાન પહોચાડવામાં આવ્યું તે શાખી લેવાય તેમ નથી. નુપુર શર્માની સામે ઢગલે બંધ કેસો થયા છે, તો શું તેઓને દેશની ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ નથી? કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ. તેઓએ ગુજરાત સરકાર સામે તીખા પ્રહાર કરી જણાવ્યું હતું કે, હિન્દુ એ ક્યારેય વિકાસનો વિરોધી નથી. પરંતુ વિકાસના નામે મંદિરો હટાવવાનું કામ ગુજરાત સરકાર કરી રહી છે તે યોગ્ય નથી.
હાલમાં જ સુરતમાં મહાકાલી મંદિરને હટાવવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો, ત્યારે ગુજરાત સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, વિકાસના કામોમાં વચ્ચે જો કોઈ મંદિર આવતું હોય તો સમાજ સાથે વાટાઘાટો કરવી જોઈએ અને તેનું અન્ય યોગ્ય સ્થળે સ્થળાંતર કરવું જોઈએ. પરંતુ મંદિર તોડવાની વાત એ ક્ષમ્ય નથી. ગુજરાત સરકાર મંદિર અને મજાર બન્નેને અલગ ત્રાજવે તોલે છે. માર્ગમાં મજારો પણ આવેલી છે, ત્યારે સરકારે તેનો પણ હિસાબ આપવો પડશે કે, તેઓએ કેટલી મજાર હટાવી. પત્રકાર પરિષદ દરમ્યાન ગુજરાતના ૩ પ્રાંતના મંત્રી અશોક રાવત, ઉત્તર ગુજરાત પ્રાંતના મંત્રી નવીન પટેલ, દક્ષીણ ગુજરાત પ્રાંતના મંત્રી અજય વ્યાસ, પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક વિરલ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.