ઝઘડિયાના અશાથી વડોદરાના માલસર સુધીનો માર્ગ
નર્મદા નદી ઉપર નવીન પુલ બનાવવાની કામગીરી
જાણ કર્યા વિના રસ્તો ખોદતાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા ગામને વડોદરા જિલ્લાના માલસર સાથે જોડતો નર્મદા નદી પર નવીન પુલ બનાવવાની કામગીરી પુર્ણ થઇ ગઈ છે, ત્યારે નર્મદા નદી પરના આ નવા પુલનું ટૂંક સમયમાં જ લોકાર્પણ કરવામાં આવનાર હોય, જેથી પુલને જોડતા રસ્તા પર વરાછા ગામથી ઝઘડિયા તાલુકાના વડીયા તળાવ સુધીના રસ્તાને પહોળો કરવા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રસ્તાને સાઈડ પરથી 4-4 મીટર સુધી પહોળો કરવા માટે ખોદી નાખવામાં આવ્યો છે.
જોકે, અત્રેના સ્થાનિક ખેડૂતો આ કામગીરીને લઇને રોષે ભરાયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર કે, કોઈપણ અધિકારી દ્વારા આ બાબતની જાણ કરવામાં આવી નથી, અને તેમના ખેતરો જાણ કર્યા વગર 4 મીટર ખોદી નાખવામાં આવ્યા છે. આ દરમિયાન ખેડૂતોએ રોડ પહોળો કરવાની કામગીરીને અટકાવી દીધી હોવાનું પણ જાણવા મળ્યું હતું. ખેડૂતોના જણાવ્યા મુજબ, જેસીબી મશીનથી ખેતરમાં રહેલ શેરડી, કપાસ અને કેળ સહિતના પાકને ખોદી કઢાતા મોટા નુકશાનનો ભોગ બનવું પડ્યું છે. આ સમસ્યાનું જલ્દીથી નિવારણ લાવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ઉપરાંત ખેતીના પાકને થયેલ નુકશાનનું કોન્ટ્રાક્ટર દ્વારા વળતર અપાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે, જ્યાં સુધી ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી રોડની કામગીરી નહીં કરવા દેવાનું ખેડૂતોએ જણાવી જરૂર પડે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી હતી.