ઝઘડીયા GIDC વિસ્તારમાં 2 જૂથ વચ્ચે ગેંગવોર
8થી 10 રાઉન્ડ ફાયરીંગ, 10થી વધુ કારમાં નુકશાન
કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ મુદ્દે 2 જૂથ વચ્ચે વિવાદ
ગેંગવોર થતાં ઝઘડીયા પોલીસે તપાસ હાથ ધરી
ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDC વિસ્તારમાંથી ગેંગવોરની ઘટના સામે આવી છે. જેમાં કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ મુદ્દે 8થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 10થી વધુ કારમાં નુકશાન પણ પહોચાડવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDC વિસ્તારની કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરવા મુદ્દે 2 જૂથ આમને સામને આવી જતાં ગેંગવોરની ઘટના સર્જાય હતી.
કહેવાય છે કે, ઝઘડીયા GIDC વિસ્તારની કંપનીઓમાં કામ કરવાના લેબર કોન્ટ્રાક્ટ મુદ્દે આ બન્ને જૂથ વચ્ચે પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આજે બપોરના સમયે ખાનગી રિવોલ્વર દ્વારા 8થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, એક વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો થતાં ગંભીર ઇજાના પગલે તેને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. સમગ્ર બનાવના પગલે અંકલેશ્વર ડીવાએસપી ચિરાગ દેસાઈ સહિત ઝઘડીયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં સ્થળ પરથી પોલીસે ફૂટેલી કારતૂસ જપ્ત કરી ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.