કસક વિસ્તાર સ્થિત અપ્સરા એપાર્ટમેન્ટની ઘટના
એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી
કાટમાળ નીચે પડતાં એક વ્યક્તિને પહોચી ઇજાઓ
ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
આ ઘટનામાં એક રિક્ષાનો પણ કચ્ચરઘાણ નીકળ્યો
ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ કાટમાળ નીચે પડતાં એક વ્યક્તિને ઇજા પહોચી હતી, જ્યારે આ ઘટનામાં એક રિક્ષાનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
ભરૂચ શહેર તથા જીલ્લામાં ચોમાસાની જમાવટ સાથે વૃક્ષો અને મકાનોના જોખમી ભાગ ધરાશાયી થવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે કસક વિસ્તારમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થઈ તૂટી પડ્યો હતો. અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ ધરાશાયી થતા તેનો કાટમાળ નીચે પડતાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી જતાં ભારે નુકશાન થયું હતું,
તો ત્યાં ઉભેલા સ્થાનિક 35 વર્ષીય અજિત રાણાને ઇજા પહોચતા 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભરૂચમાં ચોમાસાની જમાવટ સાથે 2 દિવસમાં આ પ્રકારના 3 બનાવો સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તંત્ર માત્ર નોટિસો પાઠવીને કામગીરી કર્યાનો સંતોષ માને છે, ત્યારે ખરા અર્થમાં કોઈ કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.