અંકલેશ્વરનો ઓએનજીસી ઓવરબ્રીજ તેની કામગીરીના કારણે વારંવાર વિવાદોમાં રહે છે. તાજેતરમાં જ વાહન વ્યવહાર માટે શરૂ કરાયેલ ઓ.એન.જી.સી ઓવરબ્રિજના ડામર માર્ગ પર તિરાડો પડી છે.અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો જેમા બ્રિજના માર્ગનું ધોવાણ થયું હોય એવું લાગી રહ્યું છે. માર્ગના સમારકામના ગણતરીના દિવસોમાં જ તિરાડ પડતા કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે.
આ અગાઉ પણ બ્રિજની પ્રોટેક્શન વોલમાં તિરાડો નજરે પડી હતી ત્યારે બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા હતા.ઓ.એન.જી.સી બ્રિજને છેલ્લા એક વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને બે મહિના પૂર્વે તેને શરૂ કરવામાં આવ્યો છે પરંતુ વારંવાર જોવા મળતા આ પ્રકારના દ્રશ્યો બ્રિજની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે